• ગુરુવાર, 09 જુલાઈ, 2026

પાનસડા ગામે 66 કેવી પાવર હાઉસ મુદ્દે જૂથ અથડામણ : સામસામી એટ્રોસિટી અને લૂંટની ફરિયાદ

બાબરા, તા.8: બાબરા તાલુકાના પાનસડા ગામે મંજૂર થયેલા 66 કેવી પાવર સબ સ્ટેશનના ઠરાવ અંગે ચાલી રહેલા મનદુ:ખમાં સરપંચ અને એક ગ્રામ્ય દંપતી વચ્ચે જાહેર રસ્તા પર મારામારી થતાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ વિવાદમાં એક પક્ષની મહિલાએ આક્ષેપ કર્યો છે કે, વર્ષોથી તેઓ જે જમીન ખેડતા હતા ત્યાં પાવર હાઉસ બનાવવાનો ઠરાવ કરાતા તેમની આજીવિકા છીનવાઈ ગઈ હતી, જે અંગે રજૂઆત કરવા જતાં તેમને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, દાતરડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવાઈ હતી. સામા પક્ષે સરપંચે આક્ષેપ કર્યો છે કે રસ્તામાં મોટરસાયકલ ઊભી રખાવી, ધક્કો મારી નીચે પાડી દઈ ઢીંકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ખિસ્સામાંથી રૂપિયા નવ હજારની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

આ ચકચારી ઘટના અંગે બાબરા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદો દાખલ કરવામાં આવી છે. જેમાં ભોગ બનનાર મહિલા પ્રભાબેન બાબુભાઇ સોંધરવા દ્વારા પાનસડા ગામના સરપંચ છગનભાઇ રવજીભાઇ વઘાસીયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ, હુમલો અને લૂંટ અંગે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે જ્યારે સામા પક્ષે સરપંચ છગનભાઇ વલ્લભભાઇ વઘાસિયાએ બાબુભાઇ વશરામભાઇ સોંધરવા અને તેમના પત્ની વિરુદ્ધ મારામારી તથા લૂંટની ફરિયાદ નોંધાવી છે. આ હુમલા અને લૂંટના કેસની વધુ તપાસ સી.આઇ. દેસાઇ ચલાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક