• સોમવાર, 13 જુલાઈ, 2026

અમદાવાદમાં એસટી બસે બાઈકને કચડતા યુવકનું ઘટનાસ્થળે મૃત્યુ

અકસ્માત થતાં જ મિત્રને લોહીલુહાણ હાલતમાં જ મૂકીને બાઇક ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ,તા.12 : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા અંજલી સ્વામિનારાયણ મંદિર ચાર રસ્તા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક એસટી બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇકની પાછળ બેઠેલા સુનિલ નામના યુવકને ગંભીર ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મૃત્યુ

નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત એટલો ભયાનક હતો કે સુનિલને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે, અકસ્માત થતાં જ જે બાઇક પર સુનિલ સવાર હતો, તે બાઇકનો ચાલક ભયના માર્યો પોતાના મિત્રને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો.

અકસ્માતની જાણ થતાં જ પાલડી પોલીસ અને ટ્રાફિક પોલીસનો ઉચ્ચ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને રોડ પરનો ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસના પીઆઇએ જણાવ્યું કે, આ અકસ્માત કઈ પરિસ્થિતિમાં અને કોની બેદરકારીથી થયો તે સચોટ રીતે જાણવા માટે પોલીસ અત્યારે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. હાલ પોલીસ મથકે ગુનો નોંધવાની કામગીરી ચાલી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક