કલંકિત ઘટના પછી તંત્ર પગલાં ભરશે ? ઉઠતો સવાલ ઃ પીવાનું પાણી, વિસામા અને અંધારા ઉલેચાયાં નથી
જૂનાગઢ, તા.12 ઃ ગિરનાર સીડીના ઇતિહાસમાં પ્રથમ વખત ગઈકાલે 11 વર્ષનાં બાળકને સિંહે ફાડી ખાધા બાદ વનતંત્ર હરકતમાં આવ્યું છે અને યાત્રાળુઓની સુરક્ષા માટે ગંભીર બન્યું છે પરંતુ દર વર્ષે લાખો યાત્રિકો ગિરનારની મુલાકાતે આવે છે તેઓને સુરક્ષા અત્યારે રામ ભરોસે છે, ત્યારે હવે કલંકિત ઘટના પછી યાત્રિકોની સુરક્ષા માટે પગલાં ભરાઈ તે જરૂરી છે.
પવિત્ર ગિરનારની યાત્રાએ દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો, પ્રવાસીઓ આવે છે, તેમાં દર પૂનમે સેંકડો ભાવિકો ગિરનાર ઉપર પૂનમ ભરવા જાય છે. તેઓ મોડી રાતથી પગથિયાં ચડવાનો પ્રારંભ કરે છે પરંતુ આ યાત્રિકોની સુવિધા અને સુરક્ષાની કોઈ ચિંતા કરવામાં આવી નથી . સીડી ઉપર પીવાનું પાણી કે વિસામો ખાવા માટે કોઈ વ્યવસ્થા પણ નથી.
ગિરનાર ઉપર અંધારા ઉલેચવા રાજ્ય સરકાર દ્વારા અંદાજે સવા ત્રણ કરોડના ખર્ચે પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ બિછાવી કાયમી અંધારા ઉલેચાયાનો દાવો કરાયો હતો પરંતુ તેમાં ક્યાંક ને ક્યાંક ખામી હોય તેમ હજુ પગથિયાં ઉપર અંધારપટ હોવાથી ગઈકાલની કલંકિત ઘટના સર્જાઈ હતી ત્યારે સરકાર ગિરનાર સીડી અને પર્વત ઉપર અંધારાનો ઉકેલ શોધી શકશે ?
ગિરનાર સીડી ઉપર દરરોજ વેપારીઓ અને ડોળી વાળાઓ આવે જા કરે છે તેમજ દર વર્ષે લાખો યાત્રાળુ અને પ્રવાસીઓ પણ સુરક્ષાની ચિંતા કર્યા વગર ગિરનારની મુલાકાત લે છે પરંતુ અત્યાર સુધીમાં ક્યારેય ન ઘટી હોય તેવી ઘટના ગઈકાલે ઘટી હતી. આ સાથે વનતંત્ર હરકતમાં આવ્યું છે અને ડીસીએફ અક્ષય જોશી એ સીડી પર ટાસ્કફોર્સ અને 2000 પગથિયાં સુધી ફેન્સિંગ અંગે વિચારણા શરૂ કરી છે.
પ્રવાસીઓ યાત્રિકોની સુરક્ષા અને સુવિધા માટે અત્યાર સુધી દાવાઓ કરાયમ છે પરંતુ તે દિશામાં હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય સરકારે આ દિશામાં ગંભીરતાથી વિચારી કાયમી ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે. તેમ ન થાય તો આવી કલંકિત ઘટનાઓનું પુનરાવર્તન નકારી શકાતું નથી.