• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

રાજકોટમાં ભંગારના ધંધાર્થી સાથે લાખોની છેતરાપિંડી ભાગીદારે જ રૂ. 46 લાખ પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ગોંડલ, તા.22:રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા અને ભંગાર તથા ફોર્જિંગનો ધંધો કરતા એક વેપારી સાથે ભાગીદારીમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ફોર્જિંગનું કારખાનું શરૂ કરીને તેને કરોડો રૂપિયામાં વેચી નાખ્યા બાદ, વેપારીના ભાગના નાણાં પરત ન આપીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ મામલે ભોગ બનનાર વેપારી દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સત્તાવાર રીતે ગુનો નોંધાવવામાં આવ્યો છે, જેને લઈને પોલીસ દ્વારા આગળની કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ લોધિકાના વીરવા ગામના વતની અને હાલ કોઠારીયા સોલવંટમાં રહેતા રમજાનભાઈ સુમારભાઈ ઠેબા વર્ષ 1998થી રાજેશ જીવણભાઈ ખાંટ સાથે શાપર સ્થિત કારખાનામાં કામ કરતા હતા. પાંચેક વર્ષ પહેલાં તેઓએ રાજેશભાઈ ખાંટ તથા નીલેશભાઈ જીવણભાઈ ખાંટ સાથે મળીને ‘રૂદ્ર ઓટો ફોર્જિંગ’ નામની ભાગીદારી પેઢી શરૂ કરવાનું નક્કી કર્યું હતું. ગુંદાસરા ગામ નજીક પ્લોટ ખરીદીને કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ લોન મેળવવાની પ્રક્રિયામાં પ્લોટ ત્રણેયના નામે હોવાથી મુશ્કેલી ઊભી થતાં, ભાગીદારી ફેરફાર દસ્તાવેજ દ્વારા રાજેશ ખાંટ તથા તેમની પત્ની ભાવનાબેનના નામ પર તમામ હક્ક કરી દેવામાં આવ્યા હતા. આ કંપનીમાં રમજાનભાઈનું કુલ રૂ. 42 લાખનું રોકાણ હતું અને તેમના નામે હેરીયર ગાડી પણ ખરીદવામાં આવી હતી.

સમય જતા વર્ષ 2025માં આ કારખાનું નંદાભાઈ અને વસંતભાઈ નામના શખ્સોને રૂ. 4.40 કરોડમાં વેચી દેવામાં આવ્યું હતું. આ સોદા બાદ રમજાનભાઈના ભાગના રૂ. 60 લાખ લેવાના નીકળતા હતા, જેમાંથી અગાઉ થયેલા સમાધાન મુજબ હેરીયર ગાડી પરત આપીને બાકીના નાણાં ચૂકવવાનું નક્કી થયું હતું. પરંતુ રાજેશ ખાંટે માત્ર રૂ. 14 લાખ આપીને બાકીના રૂ. 46 લાખ ન આપીને ભારે છેતરાપિંડી આચરી હતી. આ આખી ઘટના અંગે ભોગ બનનાર વેપારીએ રાજેશ જીવણ ખાંટ વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક