• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

GST વિભાગની ધરપકડની સત્તા પર સુપ્રીમની બ્રેક !

વેપારીની ધરપકડ પહેલાં કલમ 69નો ઓર્ડર મોકલવો ફરજિયાત

નવી દિલ્હી, તા. 22 : જીએસટી અમલીકરણમાં અત્યાર સુધી તપાસ અધિકારીઓ માટે સૌથી મોટું હથિયાર અચાનક દરોડા પાડવા અને કોઈ જ પૂર્વ ચેતવણી વગર અચાનક ધરપકડ કરી લેવાનું હતું. કરદાતાને ખબર પડે તે પહેલાં જ એન્ફોર્સમેન્ટ ટીમ તેના હાથમાં હથકડી પહેરાવી દેતી હતી. 

આ સિસ્ટમને વિભાગ પોતાની કાર્યક્ષમતાની ઓળખ માનતો હતો, પરંતુ દેશની સર્વોચ્ચ અદાલતે મુંબઈના યુનિયન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ સુનીલ બિયાણી કાનૂની વિવાદ કેસમાં અતિ મહત્ત્વનો ચુકાદો આપીને જીએસટી વિભાગની આ સરપ્રાઈઝ એરેસ્ટ કરવાની વર્ષો જૂની પદ્ધતિનો કાયમી અંત આણી દીધો છે.

આ સમગ્ર કાનૂની વિવાદ જીએસટી ઈન્ટેલિજન્સ મહાનિર્દેશાલય-ઉઋઋઈં મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા એક ખાનગી કંપની સામે હાથ ધરવામાં આવેલી તપાસથી શરૂ થયો હતો. આ કંપની પર વગર સપ્લાયે બોગસ આઈટીસી મેળવવી, સર્ક્યુલર ટ્રાડિંગ કરવું અને સેવાની આયાત પર જીએસટી ન ભરવા જેવા ગંભીર આક્ષેપો હતા. તપાસ દરમિયાન સંકળાયેલી સુનીલ બિયાણી નામની વ્યક્તિને સમન્સ પાઠવવામાં આવતાં તેણે સંભવિત ધરપકડથી બચવા માટે સેશન્સ કોર્ટ અને ત્યારબાદ મુંબઈ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.

મુંબઈ હાઈકોર્ટે એવા ટેકનિકલ આધારે આગોતરા જામીન ફગાવી દીધા કે જીએસટી કાયદાની કલમ 69 હેઠળ હજુ સુધી કોઈ સત્તાવાર ધરપકડનો આદેશ બહાર પાડવામાં આવ્યો નથી, તેથી ધરપકડની કોઈ વાજબી શંકા રહેતી નથી, પરંતુ હાઈકોર્ટે એક નવીન રાહત આપતાં એવો આદેશ કર્યો કે, જ્યારે પણ વિભાગ કલમ 69 હેઠળ ધરપકડનો ઓર્ડર જાહેર કરે, તે દિવસથી કરદાતાને એક સપ્તાહ સુધી ધરપકડ સામે રક્ષણ મળશે જેથી તે કાનૂની દાદ માગી શકશે. આ ચુકાદાથી જીએસટી અધિકારીઓની તપાસ સત્તા (દરોડા, સર્ચ, સમન્સ, જપ્તી કે દંડ) છીનવાઈ જતી નથી, પરંતુ ધરપકડની પ્રક્રિયામાં પારદર્શિતા અને કાયદાકીય જવાબદારી આવી છે. હવેથી અધિકારીઓએ ધરપકડ કરતા પહેલાં સેન્ડનું બટન દબાવવાની ટેવ પાડવી પડશે.  

 

ઇ-પેપરના નવા શુલ્ક