- 8 દર્દી સારવાર હેઠળ : 26 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ
જૂની
પોલીસ લાઇન સામે મેદાનમાંથી ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની બે ખાલી બોટલ મળી
(ફૂલછાબ
ન્યુઝ)
ભાવનગર,
તા.22 : ભાવનગર શહેર અને જિલ્લામાં ચકચાર મચાવનાર નકલી દારૂકાંડમાં સ્થિતિ વધુ ગંભીર
બની છે. આજે સારવાર દરમિયાન વધુ ત્રણ દર્દીનાં મૃત્યુ થતાં આ કાંડમાં મૃત્યુઆંક વધીને
11 થયો છે. સર ટી હોસ્પિટલમાં હાલ 8 દર્દી સારવાર હેઠળ છે, જ્યારે સારવાર બાદ સ્વસ્થ
થયેલા 26 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સર
ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘોઘા રોડના રહેવાસી અવિનાશ પરમારનું આજે સાંજે મૃત્યુ
થયું હતું. આ પહેલાં સવારે ભરતનગરના વર્ધમાનનગરમાં રહેતા 35 વર્ષીય હાર્દિકભાઈ હરેશભાઈ
કિલજીનું પણ અવસાન થયું હતું. હાર્દિકભાઈએ શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી
હતી, પરંતુ તબિયત વધુ બગડતાં તેમને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ,
નકલી દારૂ પીધા બાદ ભાવનગરથી સુરત ખસેડાયેલા સંજયાસિંહ ડોડિયાને બ્રેઈનડેડ જાહેર કરવામાં
આવ્યા હતા. આજે અચાનક હૃદય બંધ પડી જતાં સુરતની હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.
હાલ સર ટી હોસ્પિટલમાં 8 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાં મહીસાગરના મુકેશ ડામોર અને ભાર્ગવ
નામના બે દર્દીઓની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. દરમિયાન પોલીસે
તપાસ વધુ તેજ કરી છે. જૂની પોલીસ લાઇન સામે આવેલા મેદાનમાંથી ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની
બે ખાલી બોટલ મળી આવતાં પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.