- 2027માં દુનિયાએ ક્યારેય જોઈ નથી તેવી ગરમી પડવાની ભીતિ: અલ નીનો છેલ્લી એક સદીનું સૌથી વિકરાળ રૂપ દેખાડશે
નવી
દિલ્હી, તા.22: બ્રિટનનાં હવામાન વિભાગ (મેટ ઓફિસ) દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે,
આ વર્ષે અલ નીનો છેલ્લા 100 વર્ષમાં સૌથી વધુ વિનાશકારી અને શક્તિશાળી પુરવાર થઈ શકે
છે.
પ્રશાંત
મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી સેન્ટીગ્રેટ વધુ રહેવાનું અનુમાન
છે. જે આધુનિક જળવાયુ ઈતિહાસનું ઉચ્ચતમ સ્તર છે. આ અભૂતપૂર્વ ઘટનાનાં કારણે વર્ષ
2027 વૈશ્વિક સ્તરે અત્યાર સુધીમાં સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે. જે વર્ષ 2024નાં
વિક્રમને પણ ઓગાળી નાખી શકે તેમ છે.
ભારતમાં
અલ નીનોની સીધી અસર ચોમાસુ વરસાદ ઉપર પડે છે. ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે કે,
આ વખતે આખી સીઝનમાં લાંબાગાળાની અવધિની સરેરાશ કરતાં 90 ટકા જેટલો વરસાદ પડી શકે છે.
જે છેલ્લા 11 વર્ષનો સૌથી ઓછો વરસાદ હશે. જેનાં હિસાબે સતત બે સીઝન પ્રભાવિત થવાની
આશંકા છે.
મેટ
ઓફિસનાં જળવાયુ તજજ્ઞ એડમ સ્કાઈકે આ સ્થિતિને બેહદ અસાધારણ ગણાવતાં કહ્યું હતું કે,
દીર્ઘકાલીન જળવાયુ મોડેલમાં આ પ્રકારનાં તીવ્ર સંકેત અગાઉ ક્યારેય જોવા મળ્યાં નથી.
અમેરિકી એજન્સી એનઓએએનાં આંકડાનાં આધારે એવું અનુમાન બાંધવામાં આવ્યું છે કે, પ્રશાંત
મહાસાગરમાં તાપમાન વૃદ્ધિનો આ આંકડો નવેમ્બર સુધીમાં 3.9 ડિગ્રીનાં ચિંતાજનક સ્તરે
પણ પહોંચી શકે છે. ભારતીય હવામાન વિભાગનાં વરિષ્ઠ વિજ્ઞાની ઓ.પી.શ્રીજીતે પણ કહ્યું
હતું કે, 2027માં વૈશ્વિક સ્તરે ભીષણ અને વિક્રમી ગરમી નોંધાવાની પૂરી સંભાવના છે.