• મંગળવાર, 06 ઑક્ટોબર, 2026

કલ્યાણપુરના મહાદેવિયામાં ફાયારિંગ કરનાર 3 ઝડપાયા

જમીન અને વીજ કંપનીના કામ બાબતે થયેલા વિવાદમાં કારથી ટક્કર મારી ફાયારિંગ કરાયું ઃ લાયસન્સવાળી રિવોલ્વર સાથે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા

ખંભાળિયા, તા. 5ઃ કલ્યાણપુર તાલુકાના મહાદેવીયા ગામે જમીન અને ઊર્જા કંપનીના કામ બાબતે થયેલા વિવાદમાં બે ભાઈઓ પર કારથી ટક્કર મારી ફાયારિંગ કરવાના ચકચારી બનાવમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે.

આ પ્રકરણમાં મુળુ લાખા ગોરિયા, જીગર મૂળુ ગોરિયા અને ભરત મૂળુ ગોરિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી લાયસન્સવાળું હથિયાર પણ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ, ભાટિયાના વજશીભાઈ ગગાભાઈ ગોરિયાની જમીન નજીક સરકારી ખરાબામાં ઊર્જા કંપની દ્વારા વીજ થાંભલા ઉભા કરવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામ અટકાવવાના મુદ્દે આરોપીઓ સાથે વજશીભાઈ, તેમના ભાઈ મેરામણભાઈ અને કેશુરભાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

ત્યારબાદ ભરત મૂળુ ગોરિયાએ ક્રેટા કારથી મેરામણભાઈને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. આ દરમિયાન રિવોલ્વરમાંથી ફાયારિંગ થતાં વજશીભાઈ અને મેરામણભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. ફરિયાદના આધારે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પી.આઈ. આર.એન. હાથલીયા અને ટીમે ઝડપી કાર્યવાહી કરી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક