14 પડતર માંગણીઓના ઉકેલ માટે કર્મચારીઓનો સરકાર સામે વિરોધ : 7મીથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી
જામનગરમાં
જરૂરી દાખલા, 7/12, 8-અ અને ઈ-ધરા કામગીરીને અસર
જૂનાગઢમાં
25 કચેરીઓના 350 કર્મચારીઓ જોડાતા કચેરીઓ ખાલી-અરજદારોને હાલાકી
દ્વારકામાં
કાળી પટ્ટી સાથે વિરોધ, કામગીરી સ્થગિત
રાજકોટ,
અમદાવાદ, તા.5 : પ્રમોશન, પગાર વિસંગતતા, સિનિયોરિટી, બદલી સહિતની 14 જેટલી પડતર માગણીઓના
ઉકેલ માટે રાજ્યભરના મહેસૂલી કર્મચારીઓ આજે સામૂહિક માસ સીએલ પર ઉતરી ગયા હતા. જેના
પગલે કલેક્ટર, મામલતદાર, પ્રાંત અધિકારી કચેરીઓ સહિતની મહેસૂલી કામગીરીને અસર પહોંચી
હતી. વિવિધ દાખલા, જમીન રેકર્ડ, ઈ-ધારા સહિતની કામગીરી માટે આવેલા અરજદારોને મુશ્કેલીનો
સામનો કરવો પડયો હતો. કર્મચારીઓએ માંગણીઓ નહીં ઉકેલાય તો તા.7થી અચોક્કસ મુદતની હડતાલની
ચીમકી
આપી
છે.
રાજકોટ
શહેર-જિલ્લાના આશરે 450 મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી આવતા કલેક્ટર સહિતની કચેરીઓની
કામગીરીને અસર થઈ હતી. બિનખેતી, અશાંતધારા, હક-દાવા સહિતની રોજની અંદાજે 400 ફાઈલોનો
નિકાલ અટક્યો હતો. કલેક્ટર ડો.ઓમ પ્રકાશે માસ સીએલના રિપોર્ટ નામંજૂર કરાયા હોવાનું
જણાવ્યું હતું. કર્મચારીઓએ માગણીઓ નહીં ઉકેલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી
આપી છે.
જામનગરમાં
કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીઓ સહિત મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સીએલ
પર ઉતરતાં કામગીરીને અસર થવાની સ્થિતિ સર્જાઈ હતી. આવક, જાતિ, નોન-ક્રિમિલેયર જેવા
દાખલા, 7/12-8-અના ઉતારા, ઈ-ધારા અને જમીન માપણી સહિતની કામગીરી માટે આવતા અરજદારો
મુશ્કેલીમાં મુકાયા હતા. સરકારના કડક વલણ વચ્ચે કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલની માગ
કરી છે.
જૂનાગઢ
જિલ્લામાં 25 કચેરીઓના આશરે 350 મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા. કર્મચારીઓની
ગેરહાજરીથી મહેસૂલી કચેરીઓમાં કામગીરી પર અસર પડી હતી અને અરજદારોને મુશ્કેલીનો સામનો
કરવો પડયો હતો. કર્મચારીઓએ 2012ના નાયબ મામલતદારોને પ્રમોશન એડજસ્ટમેન્ટ, સિનિયોરિટી
યાદી, દૂરના જિલ્લાની બદલીઓ રદ કરવા તથા જિલ્લા ફેરબદલીમાં એનઓસી પ્રથા બંધ કરવાની
માંગ કરી છે.
પોરબંદરમાં
મહેસૂલી કર્મચારીઓએ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં માસ સીએલ અંતર્ગત વિરોધ નોંધાવ્યો હતો.
કર્મચારીઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી બઢતી, ભરતી અને અન્ય વહીવટી પ્રશ્નોનું તાત્કાલિક
નિરાકરણ લાવવાની માગ કરી હતી. માસ સીએલને કારણે જિલ્લા સેવા સદન સહિતની મહેસૂલી કામગીરીને
અસર થઈ હતી. માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી અપાઈ હતી.
દ્વારકામાં
મહેસૂલી કર્મચારીઓએ 14 જેટલી પડતર માગણીઓને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
હતો. ત્યારબાદ સામૂહિક રજા પર ઉતરી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. મૂળ જિલ્લામાં
પરત નિમણૂક, ઓનલાઈન જિલ્લા ફેરબદલીમાં એનઓસી પ્રથા રદ, સિનિયોરિટી યાદી જાહેર કરવા
સહિતની માગણીઓ છે. પ્રશ્નો નહીં ઉકેલાય તો તા.7થી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી અપાઈ
છે.