મુંબઈ, તા.5ઃ ભારતીય ટી20 ટીમના ભૂતપૂર્વ સુકાની સૂર્યકુમાર યાદવ 2026-27ની રણજી ટ્રોફી સિઝનમાં રમશે. 11 ઓક્ટોબરથી મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે ચંદીગઢ સામે રમાનારા એલિટ ગ્રૂપ-ડીના પ્રથમ મુકાબલામાં સૂર્યા મુંબઈ તરફથી રમતો જોવા મળી શકે છે.
સૂર્યકુમારે મુંબઈ તરફથી છેલ્લી રણજી મેચ ફેબ્રુઆરી 2025માં નાગપુરમાં વિદર્ભ સામે રમી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 86 મેચોની 144 ઇનિંગ્સમાં 42.33ની સરેરાશથી 5,758 રન, 14 સદી અને 30 અડધી સદી નોંધાવનાર સૂર્યા માટે આ સિઝન કારકિર્દીના વળાંક સમાન સાબિત થઈ શકે છે. ટી20 વર્લ્ડ કપ 2026ના ઐતિહાસિક વિજય બાદ પસંદગી સમિતિએ તેના સ્થાને શ્રેયસ ઐયરને ટી20 ટીમનું સુકાન સોંપ્યું હતું અને કથળેલા ફોર્મને ટાંકીને સૂર્યાને આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન અને જાપાન સામેની શ્રેણીઓમાંથી પણ પડતો મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન ફરી ખેંચવા માટે ઘરેલુ ક્રિકેટમાં મોટી ઇનિંગ્સ રમવી તેના માટે જરૂરી છે.
બીજી તરફ રણજી ટ્રોફી ઇતિહાસની સૌથી સફળ ટીમ મુંબઈને સિઝન શરૂ થાય તે પૂર્વે જ મોટો ફટકો પડ્યો છે. ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન અને સિનિયર ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર હાથની ઇજાના કારણે શરૂઆતી મુકાબલાઓમાંથી બહાર થઈ ગયો છે. હવે તેની ગેરહાજરીમાં મુંબઈના પેસ આક્રમણની કમાન તુષાર દેશપાંડેના ખભા પર રહેશે.