13 ગ્રંથ, 8,848 પાનાં અને 21 લાખથી વધુ શબ્દો ધરાવતું જીવનચરિત્ર એક જ લેખક દ્વારા લખાયેલું વિશ્વનું સૌથી વિસ્તૃત જીવનચરિત્ર બન્યું
લંડન,
તા. 4 : પ્રમુખસ્વામી મહારાજના જીવન પર આધારિત 13 ગ્રંથોમાં વિસ્તરેલું વિશાળ જીવનચરિત્ર
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામ્યું છે. સંસ્કૃતના વિદ્વાન અને પીએચ.ડી.ધારક આદર્શજીવનદાસ
સ્વામી દ્વારા લખાયેલા બ્રહ્મસ્વરુપ પ્રમુખસ્વામી મહારાજ: વિસ્તૃત જીવનચરિત્ર એક જ
લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર તરીકે સત્તાવાર માન્યતા મળી છે.
આ જીવનચરિત્રમાં કુલ 8,848 પાનાં અને 21,46,447 શબ્દો
છે. તેમાં પ્રમુખસ્વામી મહારાજના 1921થી 2016 સુધીના જીવનપ્રવાસ, આધ્યાત્મિક નેતૃત્વ,
સેવા, નમ્રતા, ભક્તિ અને વિશ્વભરમાં કરેલા સેવાકાર્યોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું
છે. જુલાઈ 2017થી ઓગસ્ટ 2020 દરમિયાન 38 મહિનાના સંશોધન અને લેખન બાદ આ ગ્રંથશ્રેણી
તૈયાર થઈ હતી. 4 ઓક્ટોબરે લંડનના ઓવીઓ અરીના વેમ્બલી ખાતે મહંતસ્વામી મહારાજની 93મી
જન્મજયંતીની ઉજવણી (જુઓ પાનું 10)
દરમિયાન ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર અર્પણ
કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 11,000 લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગિનીસના વરિષ્ઠ
નિર્ણાયક કાર્લ સૅવિલે આ સિદ્ધિને વિશિષ્ટ ગણાવી હતી. લેખક આદર્શજીવનદાસ સ્વામીએ જણાવ્યું
કે પ્રમુખસ્વામી મહારાજનું જીવન આધ્યાત્મિકતા, નમ્રતા, કરુણા અને સેવાની પ્રેરણાથી
ભરેલું હતું.
આ
ગ્રંથશ્રેણીની અત્યાર સુધીમાં 3.10 લાખથી વધુ નકલો વેચાઈ હોવાનું જણાવાયું છે. ઉલ્લેખનીય
છે કે ફેબ્રુઆરી 2026માં વડોદરામાં 12,723 બાળકોએ સત્સંગદીક્ષાના શ્લોકોનું સામૂહિક
પઠન કરી ગિનીસ રેકોર્ડ પણ સ્થાપ્યો હતો.