(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 16: અમદાવાદમાં આમ જનમત પાર્ટીના નામે રૂ. 250 કરોડથી વધુના કથિત બોગસ ડોનેશન કૌભાંડનો
પર્દાફાશ થયો છે. આવકવેરા વિભાગની તપાસમાં પક્ષના હોદ્દેદારો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ
દ્વારા ખોટા દસ્તાવેજો તથા ખર્ચના હિસાબો ઊભા કરીને ટેક્સ કપાતનો લાભ અપાવાયો હોવાનો
આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે આવકવેરા વિભાગે સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતાં સાત
વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે.
ફરિયાદ
મુજબ, નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન પાર્ટીના બેંક ખાતામાં રૂ.843,97,43,793થી
વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હતા. મોટા કરદાતાઓ પાસેથી બેંક મારફતે દાન મેળવી
તેમને આવકવેરા કાયદાની કલમ 80જીજીસી હેઠળ 100 ટકા ટેક્સ કપાતનો લાભ અપાવાતો હોવાનો
આક્ષેપ છે. ત્યારબાદ ચૂંટણી પ્રચાર, રેલી અને જાહેરાતના કથિત ખોટા ખર્ચ દર્શાવીને નાણાં
વિવિધ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતાં હતાં. આંગડિયા પેઢીઓ મારફતે રોકડ ઉપાડી કમિશન
કાપ્યા બાદ બાકીની રકમ દાતાઓને પરત અપાતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ રીતે સરકારી
તિજોરીને આશરે રૂ. 250 કરોડનું નુકસાન પહોંચાડ્યાનો આક્ષેપ કરાયો છે.
આ કેસમાં
પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌરવ વાય. મિશ્રા, ખજાનચી ધર્મેન્દ્ર વૈષ્ણવ, વ્યવસ્થાપક
દિનેશકુમાર જૈન તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ મયૂરાસિંહ રાઠોડ, પ્રણવ શાહ અને આકાશ સોની
સહિત સાત સામે ફરિયાદ નોંધાઈ છે.
આવકવેરા
વિભાગના અધિકારીની ફરિયાદના આધારે સીઆઇડી ક્રાઈમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કથિત કૌભાંડમાં નાણાંના વ્યવહારો, દસ્તાવેજો અને સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ
બાદ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.