• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ, 40 લાખની મશીનરી જપ્ત

ચિંગરિયા ગામે ત્રણ જગ્યાએ ગેરકાયદે ખનન મળી આવ્યું 

પોરબંદર  : પોરબંદર જિલ્લામાં ત્રણ જગ્યાએ ગેરકાયદે ખનન મળી આવ્યું છે અને લાખો રૂપિયાની મશીનરી જપ્ત થઈ છે.

પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી અને ભુસ્તરશાસ્ત્રી  કે. એન. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ પોરબંદર ખાણ અને ખનીજ કચેરી દ્વારા વહેલી સવારે ગેરકાયદે ખાણકામ સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મદદનીશ ભુસ્તરશાસ્ત્રી મિતેષ મોદીની આગેવાની હેઠળની ટીમે ચિંગરિયા અને ઉટડાં ગામે આકસ્મિક દરોડા પાડયા હતા. ગેરકાયદે રીતે બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજનું ખોદકામ કરતા 3 સ્થળો પરથી કુલ 16 મશીનરી સીઝ કરવામાં આવી હતી. જેમાં 04 જનરેટર મશીન, 03 ટ્રેક્ટર અને 09 ચકેડી મશીનનો સમાવેશ થાય છે. તપાસમાં ગેરકાયદેસર ખાણકામ કરતા ઇસમો હરદાસભાઈ કારાભાઈ કારાવદરા રહે. નેરાણા, દેવેન્દ્રભાઈ કેશુભાઈ ટીંબા રહે. મેખડી, મનસુખભાઈ જીવાભાઈ બાલસ રહે. મંડેર, હોવાનું ખુલવા પામ્યું છે.

ઉટડાં ખાતે ગેરકાયદે બિલ્ડિંગ લાઈમસ્ટોન ખોદકામમાં ઉપયોગમાં લેવાતી કુલ 03 ચકેડી મશીનરી સીઝ કરવામાં આવી છે. આ કામ કરનાર ઇસમ રાજાભાઈ સરમણભાઈ કોડીયાતર રહે. બળેજ, હોવાનું ખુલ્યું છે. તેમજ ઓડદર ગામ પાસે પોરબંદર-સોમનાથ હાઈવે પર 06 મે.ટન બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજ રોયલ્ટી પાસની પરમિશન કરતા વધુ ખનીજનું ગેરકાયદે વહન કરતા ટ્રકને સીઝ કરવામાં આવ્યો છે. જેના માલિક ભરતભાઈ અરભમભાઈ ઓડેદરા રહે. ઓડદર હોવાનું બહાર આવ્યું છે. આમ કુલ 04 જનરેટર, 03 ટ્રેક્ટર, 12 ચકેડી મશીન અને 01 ટ્રક મળી કુલ 20 મશીનરી સીઝ કરી આશરે 40 લાખના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી ખાણ ખનીજ કચેરી દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક