• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

રાજુલાના ખેરા ગામે દરિયાકાંઠે દુર્ઘટનામાં સગીરાનું ડૂબી જવાથી મૃત્યુ

 સ્થાનિક તરવૈયાઓએ હોડીની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો

અમરેલી તા.16 : રાજુલા તાલુકાના ખેરા ગામે દરિયાકાંઠે એક દુર્ઘટના સર્જાતાં સગીરાનું દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. દરિયાની ભેખડ નજીક શૌચક્રિયા માટે ગયેલી અંદાજિત 16થી 17 વર્ષની એક તરુણી દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતાં મૃત્યુને ભેટી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલા તાલુકાના ખેરા ગામે દરિયાની ભેખડ નજીક આજે વહેલી સવારે શૌચક્રિયા માટે ગયેલી સેતુબેન શિયાળ અચાનક દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદારની ટીમ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દરમિયાન સગીરાનો મૃતદેહ દરિયાના પાણીમાં ઉપર આવતાં સ્થાનિક તરવૈયાઓએ હોડીની મદદ લઈ અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ખેરા ગામના દરિયાકાંઠે બનેલી આ દુર્ઘટનાથી સ્થાનિક પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી. સગીરાના અકાળે મૃત્યુથી પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક