• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી ટંકારાના વેપારી સાથે રૂ. 84.80 લાખની ઠગાઈ

વોટ્સએપ ગ્રુપ અને એપ્લિકેશન મારફતે રોકાણ કરાવ્યું; 21 ટ્રાન્ઝેક્શન બાદ મૂડી કે નફો પરત ન મળતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ

મોરબી, તા.19: શેરબજારમાં ટૂંકા સમયમાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને ટંકારાના વેપારી સાથે રૂ. 84.80 લાખની ઓનલાઈન ઠગાઈ આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. રોકાણના નામે અલગ-અલગ 21 ટ્રાન્ઝેક્શન કરાવ્યા બાદ નફો કે મૂળ રકમ પરત નહીં આપી વોટ્સએપ ગ્રુપ અને એપ્લિકેશન બંધ કરી દેવામાં આવતાં વેપારીએ મોરબી સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો.

ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને હડમતીયા (લજાઈ) ખાતે યુનાઈટેડ ઇન્સેક્ટિસાઈડ નામે જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ચલાવતા વેપારીએ વોટ્સએપ ગ્રુપના એડમિન અને અન્ય એક મોબાઈલ નંબરધારક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 23 ફેબ્રુઆરી, 2025ના રોજ વેપારીને અજાણ્યા નંબર પરથી ગ્રુપમાં જોડવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં અલગ-અલગ કંપનીના શેર અને રોકાણ અંગેની ટીપ્સ આપવામાં આવતી હતી. ગ્રુપના સભ્યોની વાતો અને મેસેજ જોઈ વેપારીને રોકાણની માહિતી સાચી લાગી હતી. ત્યારબાદ ગ્રુપમાં સૂચવેલી એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તેમાં રોકાણ અને નફાની વિગતો દર્શાવવામાં આવતી હતી. એપ્લિકેશનમાં શરૂઆતમાં નફો દેખાતાં વેપારીને વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આરોપીઓના કહેવાથી વેપારીએ અલગ-અલગ તારીખે કુલ 21 ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 84,80,000 ટ્રાન્સફર કર્યા હતા. જોકે, ત્યારબાદ નફો કે રોકાણ કરેલી મૂળ રકમ પરત મળી નહોતી. અંતે વોટ્સએપ ગ્રુપ અને એપ્લિકેશન પણ બંધ થઈ જતાં પોતાની સાથે છેતરાપિંડી થયાની જાણ થઈ હતી.

વેપારીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ કર્યા બાદ મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ સુધી પહોંચવા અને નાણાંના વ્યવહારોની વિગતો મેળવવા તપાસ ચાલી રહી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક