મગજ અને કમરની બીમારીથી પીડાતા
હોવાની પ્રાથમિક વિગતો; ગેરકાયદે હથિયાર રાખવા બદલ પણ ગુનો નોંધાયો
અમરેલી, તા.19: અમરેલી જિલ્લાના
બગસરાના મેઘાણીનગર વિસ્તારમાં દેશી બનાવટના તમંચાથી ફાયારિંગ કરી જીવન ટૂંકાવવાની ઘટના
સામે આવી છે. જેમાં 70 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. વૃદ્ધ લાંબા સમયથી મગજ
અને કમરની બીમારીથી પીડાતા હતા અને બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક
વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
બગસરાના મેઘાણીનગર, શેરી નંબર-3માં
રહેતા ગજેન્દ્રભાઈ ઉર્ફે ગોદડભાઈ લખુભાઈ વાળા (ઉં.વ. 70)નું ગત તા. 17ની રાત્રે આશરે
સાડા નવ વાગ્યાથી તા. 18ની સવારે સાત વાગ્યા દરમિયાન મૃત્યુ થયું હતું. પ્રાથમિક વિગતો
મુજબ, તેમણે પોતાની પાસે રહેલા દેશી બનાવટના તમંચાથી ફાયારિંગ કર્યું હતું.
પોલીસ તપાસમાં વૃદ્ધ પાસે હથિયાર
રાખવાનું કોઈ લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું છે. આથી બનાવ અંગેની કાર્યવાહી ઉપરાંત
ગેરકાયદે હથિયાર રાખવા બદલ આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બગસરા પોલીસે
સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.