• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

ગોંડલમાં પતિને જામીન અપાવવાના નામે 26 લાખની ઠગાઈ

પત્રકાર સહિત ત્રણ સામે ગુનો : મહિલાને ધમકી પણ આપી

ગોંડલ, તા.19: ગોંડલમાં કરોડો રૂપિયાની આંગડિયા પેઢીની ઉચાપતના કેસમાં જેલમાં બંધ પતિને જામીન અપાવવાની અને પરિવારનાં નામ કેસમાં ન ખોલાવવાની લાલચ આપી મહિલા પાસેથી રૂ. 26 લાખ પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલના પત્રકાર સહિત ત્રણ શખ્સો સામે ગોંડલ બી-િડવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ગુંદાળા રોડ પર વલ્લભ વાટિકા સોસાયટીમાં રહેતાં સોનલબેન મયુરભાઈ ઢોલ (ઉં.વ. 42)ના પતિ મયુરભાઈ ઢોલ પી.એમ. આંગડિયા પેઢીમાં આશરે બે કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં જેલમાં બંધ છે. ફરિયાદ મુજબ, આરોપી મયુર સોની, પત્રકાર રવિ રામાણી અને અજય નામના શખસે સોનલબેનને તેમના તથા સસરાનાં નામ કેસમાં ખૂલી જવાની બીક બતાવી હતી. પોલીસ, જેલતંત્ર અને ન્યાયતંત્રમાં વહીવટ કરાવી એક મહિનામાં જામીન અપાવવાના બહાને રૂ. 26 લાખની માગણી કરી હતી.

    મહિલાએ પરિવારજનો અને સગા પાસેથી નાણાં મેળવી, સોનાના દાગીના ગીરવે મૂકી લોન લઈને અલગ-અલગ તબક્કે આરોપીઓને રૂ. 26 લાખ આપ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. જોકે, લાંબો સમય વીતવા છતાં પતિના જામીન ન થતાં મહિલાને શંકા ગઈ હતી. ત્યારબાદ આરોપીઓએ આ વાત કોઈને કહેવા પર જાનથી મારી નાખવાની અને પતિને જેલમાં હેરાન કરવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે.

આખરે સોનલબેને પોલીસનો સંપર્ક કરતાં બી-િડવિઝન પોલીસે રવિ રામાણી, અજયભાઈ અને મયુર સોની સામે ગુનો નોંધી ત્રણેયની અટકાયત કરી છે. વધુ તપાસ પીએસઆઈ એ.વી. સાંકહટ ચલાવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક