• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

અમરેલીમાં એટીએમ કાર્ડ બદલી છેતરાપિંડી આચરતો શખસ મુંબઈથી ઝડપાયો

અમરેલી એલસીબીએ આરોપીને ઝડપી

12 ગુનાનો ભેદ ઉકેલ્યો : 9 ડેબિટ કાર્ડ સહિત રૂ.15 હજારનો મુદ્દામાલ કબજે

અમરેલી, તા.30 : એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોને નિશાન બનાવી નજર ચૂકવી ડેબિટ કાર્ડ બદલી નાણાં ઉપાડતી ટોળકીની મોડસ ઓપરેન્ડીનો અમરેલી એલસીબીએ પર્દાફાશ કર્યો છે. પોલીસે મુંબઈના બોરીવલીમાં રહેતા અને મૂળ અમદાવાદના રાજવીર ઉર્ફે ચીન્ટુ હસમુખભાઈ ભટ્ટને રોકડા રૂ.5 હજાર, મોબાઇલ ફોન અને અલગ-અલગ બેન્કનાં નવ ડેબિટ કાર્ડ સહિત રૂ.15 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. તપાસમાં આરોપી 24 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પણ સામે આવ્યું છે.

એલસીબી પીઆઈ સી. પી. વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ ટીમે બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે આરોપીને ઝડપી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં અમરેલી જિલ્લાના બાબરા, સાવરકુંડલા ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા સહિત વિવિધ વિસ્તારોમાં કાર્ડની અદલાબદલી કરી છેતરાપિંડી કર્યાની કબૂલાત આપી હતી. આ રીતે અમરેલી જિલ્લા સહિત કુલ 12 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી એટીએમમાં આવતા વૃદ્ધો અને અન્ય લોકોને નિશાન બનાવતો હતો. તેમની પાછળ ઊભા રહી પાસવર્ડ જોઈ લેતો અને મદદના બહાને કેન્સલ બટન દબાવવાનું કહી કાર્ડ બદલી નાખતો હતો. બાદમાં પાસવર્ડનો ઉપયોગ કરી અલગ-અલગ એટીએમમાંથી નાણાં ઉપાડી લેતો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક