• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

ક્યાંથી આવશે E-100 ઈંધણ ? : સુપ્રીમ

ઈથેનોલ સંબંધિત અરજીઓની સુનાવણીમાં કહ્યું, ઊ-100 વાહનોને મંજૂરી મળી પણ સપ્લાઈ કેવી રીતે થશે

નવી દિલ્હી, તા. 30 : 100 ટકા ઈથેનોલ મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારને આકરો સવાલ કરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર સરકારને સવાલ કર્યો હતો કે 100 ટકા ઈથેનોલથી ચાલતા વાહનને મંજૂરી આપવામાં આવી છે તો ઈંધણની સપ્લાઈ કેવી રીતે કરવામાં આવશે. ઈથેનોલ સપ્લાઈ યર 2025-26 માટે ઈથેનોલ ફાળવણી સંબંધિત અરજીઓ ઉપર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે અમુક મીડિયા રિપોર્ટના પણ ઉલ્લેખ

કર્યા હતા.

જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની પીઠે કહ્યું હતું કે તેઓએ અમુક અખબારી અહેવાલો જોયા છે જેમાં કહેવામાં આવ્યું છે કે 100 ટકા ઈથેનોલથી ચાલતા વાહનોને અનુમતિ આપવામાં આવી છે. પીઠે સવાલ કર્યો હતો કે તેઓ બસ જાણવા માગે છે કે જો 100 ટકા ઈથેનોલથી ચલતા વાહનોને મંજૂરી આપવામાં આવી છે તો તેની સપ્લાઈ કેવી રીતે કરવામાં આવશે.

સવાલ ઉપર અટોર્ની જનરલ આર વેંકટરમણીએ કહ્યું હતું કે સપ્લાઈ માટે મોટાપ્રમાણમાં વિનિર્માણ વ્યવસ્થામાં બદલાવ કરવો પડશે. ઉલ્લેખનીય છે કે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 26 ઓક્ટોબરના કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989મા સંશોધન નોટિફાઈ કરવામાં આવ્યું હતું. જેના હેઠળ ઈ100 એટલે કે લગભગ શુદ્ધ ઈથેનોલથી ચાલતા વાહનોને પણ નિયમોમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પહેલા ઈ-85 જેવા વાહનોની જોગવાઈ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક