• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

બેવડો માર : વરસાદની અછત પછી માવઠાની આફત

દુષ્કાળની સ્થિતિ વચ્ચે ખેડૂતોને હવે કુદરતનો વધુ એક ફટકો; અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને ગીર પંથકમાં અનેક સ્થળે ધોધમાર કમોસમી વરસાદ

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ તા.30 : ચોમાસાની ઋતુમાં મેઘરાજાની રાહ જોતા સૌરાષ્ટ્રના ખેડૂતોને પૂરતો વરસાદ ન મળતાં ખેતી અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસું વિદાય લેતાં ખેડૂતોને હવે તૈયાર થયેલા પાકમાંથી ઉપજ અને આવકની આશા બંધાઈ હતી, પરંતુ કુદરતનો મિજાજ ફરી બદલાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના ગીર પંથકથી લઈને અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર સુધી અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ક્યાંક ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયાં છે તો ક્યાંક મગફળીના પાથરા પલળી જતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ ઊભી થઈ છે. ચોમાસામાં વરસાદની ખેંચ અને હવે પાક તૈયાર થવાના સમયે કમોસમી વરસાદની આફતથી જગતનો તાત કુદરતના બેવડા માર વચ્ચે ઘેરાયો છે.

માળીયાહાટીના : આજે બપોર બાદ લાડુડી ગીર ગામમા વાતાવરણમાં એકાએક પલટો આવતા  ધોધમાર વરસાદ પડ્યો હતો. સરપંચ  ડાયાભાઈ ઝોરાના જણાવ્યા પ્રમાણે પોણાથી એક ઇચ જેટલો વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ થતા અમુક ખેડૂતોના ખેતરોમાં પાથરા અને મગફળી પલળી ગયા છે.

અમરેલી : કમોસમી વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં મોડી સાંજે ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને ખાંભા ગીરના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ડેડાણ, ચકરાવા સહિત આસપાસનાં ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. બીજી તરફ બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કુકાવાવ પંથકના ગ્રામ્ય  વિસ્તારોમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. વડિયા પંથકમાં પણ મોડી સાંજે ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ હતી. હાલમાં ખેતરોમાં કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકો તૈયાર થઈ રહ્યા છે અથવા લણણીની સ્થિતિમાં છે ત્યારે કમોસમી વરસાદથી ખેતીપાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. એક તરફ મોંઘા બિયારણ, ખાતર અને મજૂરીના ખર્ચ વચ્ચે ખેડૂતો પાકની આવકની આશા રાખી રહ્યા છે, ત્યારે કુદરતી આફતના રૂપમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જો વરસાદનું પ્રમાણ વધશે તો ખેતીપાકને મોટું નુકસાન થવાની શક્યતા છે.

ગોંડલ : શહેર તેમજ મોવિયા ગામમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને ગોંડલના વછેરાના વાડા ખાતે ફટાકડાના વેચાણ માટે એક મોટો ડોમ ઊભો કરવામાં આવ્યો હતો. પરંતુ, સાંજના સમયે ત્રાટકેલા વાવાઝોડાના જોરદાર પવનને કારણે ફટાકડાનો આ વિશાળ ડોમ પત્તાની માફક જમીનદોસ્ત થઈ ગયો હતો. આખો મંડપ અને ડોમ પવનના ભારે જોરને કારણે સંપૂર્ણપણે તૂટીને નીચે ઢળી પડ્યો હતો. અચાનક થયેલા આ નુકસાનથી વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઇ નથી. સાંજે વરસેલા ધોધમાર વરસાદ ને કારણે રાજમાર્ગોપર પાણી ફરી વળ્યા હતા.

ઉપલેટા :  આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોર પછી આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના મુખ્ય બજારો અને નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસાની જેમ પાણી ભરાઈ ગયા હતા. આ કમોસમી વરસાદને કારણે જીરૂ, ચણા અને ઘઉં જેવા રવિ પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે જગતના તાત (ખેડૂતો) ચિંતાના ગરકાવ થઈ ગયા છે.

લીલાખા : આજે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તોરી, કડાળા, બગસરા, ગળથ, વડિયામાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેતરમાં પડેલા મગફળીના પાથરા અને કપાસના ઉભા છોડને નુકશાન થયું છે.

પોરબંદર : જિલ્લો દુષ્કાળગ્રસ્ત જાહેર થયા બાદ હવે પોરબંદર શહેર ઉપરાંત બિલેશ્વર અને રાણા કંડોરણા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરના જ્યુબિલી, બોખીરા સહિતના વિસ્તારોમાં આજે બપોર બાદ ઝાપટાં પડ્યા હતા. તો નજીકના રાણા કંડોરણા અને બિલેશ્વર ગામમાં પણ બપોર બાદ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. અમુક જગ્યાએ વીજળીના કડાકા-ભડાકા સાથે તો ક્યાંક ધીમી ઝાપટાં સ્વરૂપે વરસાદ પડ્યો હતો.

કોડીનાર : તાલુકાના ઘણા બધા ગામડાઓમાં બપોરે 3 વાગ્યાથી મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જેમાં ઘાટવડ શુગાળા, સિંધજ, કંટાળા, વલાદર, અરણેજ સહિતના ગામમાં ધીમીધારે વરસાદ શરુ થયો હતો. રોડ ઉપર પાણી વહેતા થયા હતા.

જૂનાગઢ : સોરઠના હવામાનમાં પલટો આવ્યા બાદ આકાશમાં વરસાદી વાતાવરણ વચ્ચે બપોર પછી ભેસાણ, માણાવદર અને મેંદરડા પંથકમાં હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા. આ કમોસમી વરસાદથી ખેડૂતોના ખરીફ પાકને નુકસાન થયાનું જાણવા મળેલ છે. 

આલીદર : આલીદરમાં પવન સાથે કમોસમી વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતા ખેડૂતોને ભારે નુકશાન થયું છે એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો 

જામકંડોરણા : સાંજના સમયે કાળા ડીબાંગ વાદળો છવાયા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર 12 મી. મી. (અડધો ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી હાલ મોસમ ચાલી રહી હોય ખેડૂતોના મગફળીના પાથરા, તેમજ નીરણને નુકશાનીની ભિતી છે.

ધોરાજી : શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ સાંજે 6:30 કલાકે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.  વરસાદને કારણે ખેતરમાં તૈયાર કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો છે.

વડિયા : હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે કરવામાં આવેલી વરસાદની આગાહીના પ્રથમ જ દિવસે વરસાદ શરૂ થતાં જગતના તાતની મુશ્કેલીઓ વધી છે. ખાસ કરીને કપાસ ઉતારવાની મોસમ ચાલી રહી છે ત્યારે માવઠું થતાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. વડિયા ઉપરાંત આસપાસનાં ગામડાઓમાં પણ કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

જેતપુર : આજે સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો થયો હતો, કાળા વાદળોની વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર 25 મિમી વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરમાં ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી વહેતા થયા હતા. માત્ર શહેરમાં જ નહીં, પરંતુ જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મહેર (કે કહેર) વરસાવી હતી. પેઢલા, મંડલીકપુર, પીઠડીયા અને પ્રેમગઢ સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક