• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

બટાકામાંથી ‘સોનું’ બનાવી જાણે છે ગુજરાતીઓ : મોદી

ભીલડીમાં આયોજિત ખાટલા સભામાં રાહુલ ગાંધી ઉપર વડાપ્રધાનનો પરોક્ષ પ્રહાર

            પીએમના હસ્તે રૂ.14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

અમદાવાદ, તા.30 : નર્મદાનાં નીર અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓએ બનાસકાંઠાની કાયાપલટ કરી નાખી છે. 25 વર્ષ પહેલાં પાણી અને વીજળીની કટોકટી સામે ઝઝૂમતો આ જિલ્લો આજે વિશ્વભરમાં બટાકા માટે જાણીતો બન્યો છે. અહીં આવીને કોઈને કંઈ જ કહેવાની જરૂર નથી કારણ કે, બનાસકાંઠાના લોકો આજે બટાકામાંથી સોનું બનાવે છે, તેવું આજરોજ બનાસકાંઠા જિલ્લાનાં ભીલડીમાં રૂ.14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે રાહુલ ગાંધી ઉપર પરોક્ષ રીતે પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.

પીએમ મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો બનાસકાંઠાના ભીલડીથી પ્રારંભ થયો હતો. શુક્રવારે સવારે વડાપ્રધાન ડીસા એરપોર્ટથી સીધા ભીલડી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા હતા. ભીલડીમાં રૂ.14,000 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે તેઓએ પીએમ કિસાન યોજનાનો આશરે રૂ.19,000 કરોડનો 24મો હપ્તો રીલિઝ કર્યો હતો. અગાઉની સરકારોએ લઘુતમ ટેકાના ભાવ અંગે ખેડૂતોને માત્ર દગા જ દીધા છે જ્યારે વર્તમાન સરકારે એમએસપીના તમામ વાયદાઓ સંપૂર્ણપણે પૂર્ણ કર્યા છે.

ભીલડીમાં આયોજિત ખાટલાસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે બનાસકાંઠાએ વટ પાડી દીધો. હું હમણા ક્રીન પર જોઈ રહ્યો હતો. દુનિયામાં આવડી મોટી ખાટલા સભા ક્યારેય નહીં થઈ હોય. દેશના લોકો માટે પણ આશ્ચર્ય હશે કે સભામાં બધા લોકો ખાટલા પર બેઠા છે. વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, રાહુલ ગાંધીને પરોક્ષ રીતે ટોણો માર્યો હતો કે, બનાસકાંઠાના લોકો પહેલેથી બટાકામાંથી સોનું બનાવી જાણે છે. અહીં આવીને કોઈને કહેવાની જરૂર નથી. આ ઉપરાંત મોદીએ વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકોને દેશને તકલીફમાં જ જોવામાં આનંદ આવે છે. તેઓ અફવા ફેલાવે છે.

મોદીના હસ્તે ખેડૂતોના હિતમાં ભારત બોવાઇન બ્રાડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર, બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને યુએચટી-એએસઆરએસનું ઇ-લોકાર્પણ તથા બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે બે નવા કોપ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતને બે નવી રેલ સેવા મહેસાણાથી બહુચરાજી મેમુ ટ્રેન અને સાબરમતીથી વારાણસી રૂટ પર નવી ટ્રેન વારાણસી એક્સપ્રેસની ભેટ સાથે, મેટ્રો, આંગણવાડી, કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કરોડોનાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત પીએમ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક