• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

લીંબડી-સુરેન્દ્રનગર હાઇ-વે પર બે બાઇક  અથડાતા ઘવાયેલા સુરેન્દ્રનગરના વધુ એક યુવાનનું મૃત્યુ

વઢવાણ, તા. 18: લીંબડી -સુરેન્દ્રનગર હાઇ-વે પર અંકેવાળિયા ગામના પાટિયા પાસે બે બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા સુરેન્દ્રનગરના પોપટપરામાં રહેતાં મેમણ સમાજના પ્રમુખ હાજી જાવેદભાઇ સતારભાઇ મેઘાણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ સાથે અકસ્માતનો મૃત્યુ આંક ત્રણ થયો હતો.

ચાર દિવસ  પહેલા સુરેન્દ્રનગરમાં ગુલશન પાન, સીંગ અને ફરસાણાનો ધંધો કરતાં હાજી અશફાકભાઇ હાજી ફકીરમહંમદ મન્સુરી અને તેમનો મિત્ર હાજી જાવેદભાઇ મેઘાણી બાઇક પર અમદવાદથી આવેલી વસ્તુ લેવા માટે લીંબડી ગયા હતાં. ત્યારે બાઇક પર સુરેન્દ્રનગર પરત આવી રહ્યા હતાં. ત્યારે અંકેવાળિયા ગામના પાટિયા પાસે સામેથી આવી રહેલા બાઇક સાથે અકસ્માત થયો હતો. આ  અકસ્માતમાં વેપારી હાજી અશફાકભાઇ મન્સુરી અને  લીંબડીના પ્રવીણભાઇ ટપુભાઇ વરમોરાના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતાં. જયારે હાજી  જાવેદભાઇ મેઘાણીને ગંભીર ઇજા થઇ હતી. તેમને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બાદમાં સાર્વજનિક દવાખાને સારવાર માટે દાખલ કરાયા હતાં. જયાં ગઇરાતના તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ સાથે અકસ્માતનો મૃત્યુ આંક ત્રણ થયો હતો.