• મંગળવાર, 10 નવેમ્બર, 2026

દિવાળીની રાતે ગુજરાતમાં પાંચ હત્યા

રાજકોટમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી બાદ બે સગાભાઈઓનો પિતા-પુત્ર પર છરીથી હુમલો, 43 વર્ષીય પિતાનું મૃત્યુ : સુરતમાં બે, ભાવનગર અને અમરેલીમાં એક-એકની હત્યા

સામાન્ય બોલાચાલી અને જૂની અદાવતે પાંચ પરિવારના માળા વેરવિખેર કર્યા

રાજકોટ, તા.9:રાજ્યભરમાં દિવાળીની રોશની અને ફટાકડાના ગુંજારવ વચ્ચે અનેક સ્થળોએ હિંસાની એવી ઘટનાઓ બની કે તહેવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારથી લઈને જૂની અદાવત અને નાણાકીય મનદુ:ખ સુધીનાં કારણોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. રાજકોટમાં જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી બાદ બે સગાભાઈઓએ પિતા-પુત્ર પર છરી વડે હુમલો કરતાં પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સુરતમાં બે, ભાવનગર અને અમરેલીમાં એક-એક મળી રાજ્યમાં કુલ પાંચ હત્યાની ઘટનાઓ સામે આવી છે. અનેક લોકો ઘાયલ થતાં તહેવારના માહોલમાં ભય અને શોક ફેલાયો છે.

રાજકોટમાં ફટાકડાની બોલાચાલી બાદ પિતા-પુત્ર પર છરીથી હુમલો, પિતાનું મૃત્યુ

રાજકોટના મવડી વિસ્તારમાં વિશ્વેશ્વર મંદિર પાછળ આવેલી મારુતિ સોસાયટીમાં દિવાળીની રાતે ફટાકડા ફોડવા બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા બાબતે વાહન પર પસાર થતા અજિતભાઈ સિંધવ અને તેમના પુત્ર કૃણાલને યશરાજ જાડેજા અને ઇન્દ્રજીત જાડેજા સાથે બોલાચાલી થઈ હતી. જોકે, તે સમયે સમાધાન થઈ ગયું હતું. પરંતુ મોડી રાત્રે આશરે 2:30 વાગ્યે બંને આરોપીઓ મૃતકના ઘરે પહોંચ્યા હતા અને ઘરમાં પથ્થરમારો કર્યો હતો. પિતા-પુત્ર બહાર આવતાં જ ધોકા અને પાઇપ વડે હ્નમલો કર્યા બાદ છરીના ઘા ઝીંક્યા હતા. હ્નમલામાં અજિતભાઈને સાતથી આઠ ઘા વાગ્યા હતા, જ્યારે પુત્ર કૃણાલને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 43 વર્ષીય અજિતભાઈનું મોત નીપજ્યું હતું. 21 વર્ષીય કૃણાલ હાલ સારવાર હેઠળ છે.

મૃતકના ભાઈ વિનોદભાઈના જણાવ્યા મુજબ, બંને ભાઈઓ અગાઉની બોલાચાલી બાદ સમાધાન થઈ ગયું હોવા છતાં રાત્રે ઘરે આવી હ્નમલો કર્યો હતો. અજિતભાઈ અને કૃણાલ સ્કૂલ વેન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. બનાવ અંગે માલવિયાનગર પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ફટાકડાની તકરારમાં બે યુવકોની હત્યા

સુરતના ભટાર વિસ્તારમાં બાળકો સાથે ફટાકડા ફોડી રહેલા 18 વર્ષીય પ્રસિદ્ધ ઉર્ફે સન્ની મોરે પર જૂની અદાવતના કારણે 6થી 7 શખસોએ હુમલો કર્યો હતો. છાતીમાં તીક્ષ્ણ હથિયારના પાંચ ઘા ઝીંકાતાં તેનું મોત નીપજ્યું હતું. મિત્રના જણાવ્યા મુજબ, હુમલાખોરો અગાઉથી સન્ની સાથે અદાવત રાખતા હતા. ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

બીજી તરફ લિંબાયતના વૃંદાવન નગર-2માં ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી બાદ 24 વર્ષીય વિકાસ પર ચપ્પુ વડે હુમલો કરાતાં તેનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં નિલેશ અને પંકજની સંડોવણી સામે આવી છે.

ભાવનગરમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા

ભાવનગરના પોપટનગરમાં ભોજન લેવા નીકળેલા 25 વર્ષીય રોહિત ઉર્ફે બટુ બારૈયાને એક વર્ષ જૂની બોલાચાલીનું મનદુ:ખ રાખી વિજય રાઠોડ અને બે સગીરોએ આંતરી છરી તથા ધારિયાથી હુમલો કર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતા બુધાભાઈ પર પણ હુમલો કરાયો હતો. સારવાર દરમિયાન રોહિતનું મૃત્યુ થયું હતું, જ્યારે પિતાની હાલત ગંભીર છે. ગંગાજળીયા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

અમરેલીના ખાંભામાં જૂથ અથડામણમાં એકનું મૃત્યુ

ખાંભાના ભગવતી પરામાં ટ્રકના ભાડા બાબતે જૂના મનદુ:ખમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. છરીના ઘા વાગતાં 40 વર્ષીય સુલતાન દાઉદભાઈ સોલંકીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં મહિલા સહિત છથી વધુ લોકો ઘાયલ થયા હતા. ખાંભા પોલીસે સમયસર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક