• મંગળવાર, 10 નવેમ્બર, 2026

લોનની લાલચ આપી મજૂર પરિવારના દસ્તાવેજોનો દુરુપયોગ કરનાર 4 ઝડપાયા

રૂ.1.50 કરોડની સાયબર ઠગાઈમાં બે દિવસના રિમાન્ડ દરમિયાન મોબાઇલ અને બેંકને લગતું સાહિત્ય કબજે

જામનગર, તા.9 : જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં રહેતા મજૂર પરિવારને લોન અપાવવાની લાલચ આપી તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને આશરે રૂ. 1.50 કરોડની સાયબર ઠગાઈની રકમની હેરાફેરી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસે ચાર આરોપીને ઝડપી પાડી જેલહવાલે કર્યા છે, જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર છે.

માધાપર ભુંગા વિસ્તારમાં રહેતા મજૂર અસલમ ભગાડને લોનની જરૂરિયાત હોવાથી તેઓ કર્ણાટક બેંકમાં ગયા હતા. આ દરમિયાન બેંકના કર્મચારીએ અસલમ તેમજ તેમના ભાઈ-ભાભીના દસ્તાવેજો મેળવી અલગ-અલગ ફોર્મમાં સહીઓ કરાવી હતી. ઉપરાંત અસલમ પાસેથી બે મોબાઇલ સિમકાર્ડ પણ મેળવી લેવામાં આવ્યાં હતાં. જોકે, ચાર દિવસ બાદ સિબિલ સ્કોર ખરાબ હોવાનું જણાવી લોન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તપાસમાં ખુલાસો થયો હતો કે પરિવારની જાણ બહાર તેમના નામે બેંકમાં ત્રણ અલગ-અલગ ખાતાં ખોલવામાં આવ્યાં હતાં. આ ખાતાંનો ઉપયોગ સાયબર ફ્રોડની રકમની હેરાફેરી માટે થયો હતો. તા.20-5-2025થી તા.8-8-2025 દરમિયાન આ ખાતાં મારફતે આશરે રૂ.1.50 કરોડની લેવડદેવડ થઈ હોવાનું સામે આવ્યું છે.

અસલમ ભગાડની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગરીબનગરના અસગર અબ્દુલ ચમડિયા, ધરારનગરના મહમદ હનીફ સુલેમાનભાઈ મોડા, નવીવાસના અસ્ફાક ઈદ્રિશભાઈ મિયાવા અને પટણીવાડના અંજુમ અલ્તાફભાઈ ખિલજીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ચારેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ દરમિયાન મોબાઇલ ફોન અને બેંકને લગતું સાહિત્ય કબજે કર્યું હતું. રિમાન્ડ પૂર્ણ થતાં ચારેયને જામનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ સમગ્ર નેટવર્કનો મુખ્ય આરોપી ફૈઝલ ખફી હજુ પોલીસ પકડથી દૂર છે. આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને ઠગાઈના નાણાં ક્યાં સુધી પહોંચ્યાં છે તે અંગે વધુ તપાસ ચાલુ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક