એસએમસીના
સાત ગોડાઉનમાં દરોડા : 7 શખસની ધરપકડ
જૂનાગઢ,
તા.9 : જૂનાગઢ જિલ્લાના બિલખા અને માણાવદરના બાંટવા વિસ્તારમાં સ્ટેટ મોનિટારિંગ સેલ
દ્વારા બાતમીના આધારે દરોડાના પગલે ખળભળાટ મચી ગયો છે. પોલીસે કુલ સાત ગોડાઉન પર દરોડા
પાડીને રૂ. 30.35 લાખનો સરકારી અનાજ સહિતનો બિનઅધિકૃત જથ્થો સીઝ કર્યો છે અને આ પ્રકરણમાં
સંડોવાયેલા 7 શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા
મળતી વિગત મુજબ એસએમસીની ટીમે બાતમીના આધારે બિલખાના નાગ્રેચા વાડી વિસ્તારમાં રહેતા
બે ભાઈઓ ઈમ્તિયાઝ હારુન ચૌહાણ અને મુસ્તાક ગફાર ચૌહાણના ગોડાઉનમાં અચાનક ત્રાટકીને
તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન સસ્તા અનાજના ઘઉં, ચોખા, તુવેરદાળ, ફોર્ટિફાઇડ લોટ ઉપરાંત
મગફળી અને સોયાબીનનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેમના મળતિયાઓ
અમીન જીકર ચોટલિયા, ફિરોજ બોદુ માલવિયા અને ઇરફાન સતાર કાળાવતરના અન્ય ત્રણ ગોડાઉનમાં
પણ તપાસ હાથ ધરાતા ત્યાંથી પણ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
પ્રાથમિક
તપાસમાં પકડાયેલા બિલખાના બંને ભાઈઓ છેલ્લા દોઢ વર્ષથી આજુબાજુની સસ્તા અનાજની દુકાનોના
પરવાના ધારકો અને વિક્રેતાઓ પાસેથી ગેરકાયદેસર રીતે સસ્તા ભાવે અનાજ મેળવીને તેને ઊંચા
ભાવે ખુલ્લા બજારમાં વેચવાનું મોટું કારસ્તાન ચલાવી રહ્યા હતા.
આ ઉપરાંત,
માણાવદરના બાંટવા વિસ્તારમાં પણ દીપક ઉર્ફે દીપુ ઈસુ હેમનાણીના ત્રણ ગોડાઉનો પર દરોડા
પાડીને સરકારી અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એસએમસીની ટીમે બિલખા અને બાંટવાના
કુલ સાત ગોડાઉનોમાંથી રૂ. 30,35,634 ની કિંમતનો અનાજનો જથ્થો તેમજ 4 વાહનો અને 7 મોબાઈલ
ફોન સહિત કુલ રૂપિયા 42.32 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બાંટવામાંથી પોલીસે
રાજકુમાર નંદલાલ આહુજા, સુનિલ તીર્થ પહેલનાણી, કિરણ રવજી સોલંકી અને નેજા બીજલ અભિયાને
ઝડપી પાડયા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 15 આરોપીને પોલીસે ફરાર જાહેર કરી તેમની
શોધખોળ શરૂ કરી છે.