• શનિવાર, 14 નવેમ્બર, 2026

અમદાવાદમાં રેન્જ રોવર કારના ચાલકે બાઈકને ટક્કર મારતા એકનું મૃત્યુ

કાર ચાલક ભાજપના એમએલએનો ભત્રીજો : ધરપકડ કર્યા બાદ જામીન પર છુટકારો

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.13: અમદાવાદમાં ભાઈબીજના દિવસે શીલજ પાસે સર્જાયેલી હિટ એક હીટ એન્ડ રનની દુર્ઘટનામાં રેન્જ રોવર કારના ચાલકે રેપિડો બાઈક પર જઈ રહેલા બેને ટક્કર મારતા પાછળ બેઠેલા યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બોપલ પોલીસે આ મામલે કાર ચાલકની ધરપકડ કરી હતી અને બાદમાં જામીન પર છોડ્યો હતો. આરોપી રાઘવેન્દ્ર કુશવાહા બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશાસિંહ કુશવાહાનો ભત્રીજો હોવાનું ખુલ્યું છે.

સેટેલાઈટમાં રહેતા પ્રદીપ ડરવાલેએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ, તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને સાથે રેપિડોમાં બાઈક પણ ચલાવે છે. ગત તા.11ના વહેલી સવારે તેઓ રાઈડ માટે નિકળ્યા હતા. શીલજ તરફ હર્ષદ પુરબિયા (ઉં.35) નામના વ્યક્તિને બાઈક પર બેસાડયો હતો. હર્ષદભાઈ બાઈક પર શીલજ સર્કલથી થોડા આગળ પહોંચ્યા ત્યારે રાંચરડા રોડ તરફથી પૂરઝડપે આવેલી એક રેન્જ રોવર કારના ચાલકે તેમને ટક્કર

મારી હતી.

અકસ્માતમાં હર્ષદભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને પ્રદીપભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ રેન્જ રોવર કારનો ચાલક કાર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. માથામાં ગંભીર ઈજા પહોંચતા હર્ષદભાઈને સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હર્ષદભાઈ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વતની હતા અને અમદાવાદમાં શાસ્ત્રીનગરમાં રહેતા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક