• શનિવાર, 14 નવેમ્બર, 2026

છૂટક મોંઘવારી બે વર્ષની ટોચે

ખાવા-પીવાની ચીજો મોંઘી થતાં વધીને 6.09 ટકા થઇ ગઇ

 

નવી દિલ્હી, તા. 13 : સામાન્ય માણસને મોંઘવારીનો માર વધુ એક વખત ખમવો પડયો છે. દેશમાં છૂટક મોંઘવારી 6.09 ટકા સાથે બે વર્ષની ટોચ પર પહોંચી ગઇ છે. ખાવા-પીવાની ચીજો મોંઘી થતાં ઓકટોબરમાં દરમાં 0.55 ટકાનો વધારો થયો છે.

ઓક્ટોબરમાં છૂટક મોંઘવારી ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ની છ ટકાની ટોચની સીમાને પાર કરી ગઇ છે. રિઝર્વ બેન્કે મોંઘવારીની સીમા ચાર ટકાથી છ ટકા નક્કી કરી હતી. દૂધ, ઇંડાં, લસણ, ડુંગળી સહિત રોજિંદી જરૂરતની વસ્તુઓની કિંમતોમાં વધારો થવાથી છૂટક મોંઘવારી વધી છે.

ઓકટોબરમાં ખાદ્ય મોંઘવારી પણ વધીને 8.94 ટકા થઇ ગઇ, જે સપ્ટેમ્બર મહિનામાં 7.74 ટકા હતી.

અગાઉ, 2024માં છૂટક મોંઘવારી છ ટકાનો આંકડો આંબી, 6.2 ટકા પર પહોંચી હતી. આમ, આ વખતે મોંઘવારીએ બે વર્ષ બાદ છ ટકાની સીમા પાર કરી છે.

આંકડા મંત્રાલયે જારી કરેલા આંકડા અનુસાર, ઓકટોબરમાં ગ્રામીણ મોંઘવારી 6.63 ટકા અને શહેરી મોંઘવારી 5.41 ટકા રહી.

ગ્રામીણ ભારતમાં ખાદ્ય મોંઘવારી 9.09 ટકા અને  શહેરી વિસ્તારોમાં 8.6 ટકા થઇ ગઇ છે.

 

સરકારે બોજ વહન કર્યો ન હોત તો ડીઝલ 50 રૂપિયા મોંઘું થયું હોત : મોદી

નવી દિલ્હી, તા.13: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનાં ભાવ 122 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જવા છતાં સરકાર ડીઝલનાં ભાવમાં સંભવિત પ0 રૂપિયાનાં વધારાનાં બદલે ફક્ત 7 રૂપિયાનો બોજો વપરાશકારો ઉપર નાખ્યો હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

મોદીએ કહ્યું હતું કે, ડીઝલનાં ભાવમાં ભારેખમ વધારો થવાનો હતો પરંતુ સરકારનું કહેવું છે કે, કિસાનોને રાહત આપવા માટે આ વધારાનો ભાર પોતાનાં શિરે લઈ લીધો હતો. ખેડૂતો ઉપર તેની કોઈ અસર થવા દેવામાં નહોતી આવી.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ઘર્ષણ દરમિયાન થોડા અઠવાડિયા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઈલનો ભાવ 70 ડોલરથી વધીને 122 ડોલર સુધી વધી ગયો હતો અને ભારત માટે મોટો પડકાર પેદા થયો હતો. આનાં હિસાબે ડીઝલનાં ભાવમાં પ0 રૂપિયાનો વધારો કરવો પડે તેમ હતો. જો કે સરકારે આનું ભારણ આમજનતા અને ખેડૂતો ઉપર ન આવે તેની કાળજી રાખી હતી. આનાં માટે સરકા ઉપર દર મહિને 14000 કરોડ રૂપિયાનો આર્થિક બોજ આવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક