• શનિવાર, 14 નવેમ્બર, 2026

મોદીના ગુજરાત આગમન સમયે જ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ‘તેજ’!

ગાંધીનગર લોકભવનમાં મંત્રીઓ સાથે ડિનર બેઠક યોજી : 2027ની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં કરી ‘વન-ટુ વન’ ચર્ચા

 

 

 

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 13:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર તેઓ પૂર્વ ધારાસભ્યોને મળ્યાં હતાં બાદમાં ગાંધીનગર લોકભવન ખાતે પહોંચી રાજ્ય સરકારના મંત્રીઓ સાથે રાત્રે 8.15 કલાકે ડિનર બેઠક પણ યોજી હતી. વડાપ્રધાને મોડી રાત્રે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી તેમજ 24 મંત્રીઓ સાથે ‘વન-ટુ વન’ ચર્ચા કરી હતી.

વડાપ્રધાનના આગમન પહેલા જ પક્ષમાં ભારે ચર્ચાઓ શરૂ થઇ ગઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. રાત્રિની બેઠકમાં પક્ષ અને સરકારનું સંકલન, આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમો, 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સામે પડકારો, જૂના અને નવા નેતાઓ વચ્ચે સંકલન તેમજ ચૂંટણીલક્ષી માહોલ ઊભા કરવા અંગેની ચર્ચા થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

આગામી દિવસોમાં પક્ષ દ્વારા કયા ચૂંટણીલક્ષી કાર્યક્રમો હાથ ધરવા, કયા વિસ્તારોમાં સંગઠન વધુ મજબૂત કરવું અને જનતા

સુધી સરકારની કામગીરી કેવી રીતે પહોંચાડવી તે અંગે પણ ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે આ તમામ ઘટનાક્રમને 2027ની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવી રહ્યો છે.પરંતુ ભાજપની વાસ્તવિક ચૂંટણી વ્યૂહરચના શું હશે? આ તમામ સવાલોના જવાબ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ બાદ સામે આવી શકે છે. હાલ તો ગુજરાત ભાજપમાં ચૂંટણી પહેલાંની રાજકીય હલચલની ચર્ચા તેજ બની છે. 

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિનર બેઠકમાં આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન અને તેની તૈયારીઓ, વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીનો રોડમેપ તથા આદિવાસી વિસ્તારોમાં ભાજપનું જનસમર્થન વધુ મજબૂત કરવા સહિતના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યાં હતાં.  આ ઉપરાંત ગુજરાતના તમામ 24 મંત્રીઓ, એક મુખ્યમંત્રી અને એક નાયબ મુખ્યમંત્રી મળીને 26 સત્તાધિશો સાથે પણ વડાપ્રધાને વન ટુ વન ચર્ચા ચર્ચા કરી હતી. લોકભવનમાં જ આવતીકાલે મોદી સવારે સંસ્કારધામ ટ્રસ્ટની બેઠકમાં પણ હાજરી આપશે. બેઠકમાં મોદી ઉપરાંત ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે તા.14 નવેમ્બરે મોદી અંબાજી મંદિરના દર્શનાર્થે જવાના હતાં પરંતુ લાભ પાંચમનો દિવસ હોવાથી ભક્તોની ભીડ વધુ હોવાની શક્યતાઓ વચ્ચે અંતિમ ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો અને પીએમની મુલાકાત હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક