પતિનો ઉદ્ધત જવાબ : ‘હું રાવણ જ છું અને રહીશ’; પતિ, સસરા અને નણંદે પરિણીતાને નીચે પાડી ઢીકાપાટુનો માર માર્યો
ગોંડલ,
તા.16:ગોંડલના ગુંદાળા રોડ વિસ્તારમાં દિવાળીની સાફ-સફાઈ બાબતે થયેલા સામાન્ય વિવાદે
ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 21 વર્ષીય પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓએ માર માર્યાનો
અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પરિણીતાએ બી-ડિવિઝન
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ફરિયાદ
મુજબ, શાંતિનગરમાં રહેતાં કૃપાલીબેન સતીષભાઈ વેકરીયાના લગ્ન ગત 19 એપ્રિલે પાર્થભાઈ
નરોત્તમભાઈ પાડલીયા સાથે થયા હતા. દિવાળીની સફાઈ દરમિયાન સાસુ મીનાબેને ઘરકામ અધૂરું
મૂકીને જવા બાબતે ઠપકો આપ્યો હતો. ત્યારબાદ પતિ પાર્થ ઘરે આવી પત્ની સાથે બોલાચાલી
કરી હતી અને ‘હું રાવણ જ છું અને રાવણ જ રહીશ’ તેમ કહ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
છે. પરિણીતાના માતા-પિતા આવે ત્યાં સુધી વાત નહીં કરવાની કહી તેઓ રૂમનો દરવાજો બંધ
કરવા જતાં પતિ, સસરા નરોત્તમભાઈ અને નણંદ મીત્તલબેને દરવાજો ખોલી તેમને નીચે પાડી દીધા
હતા. નણંદે શરીરે વિખોડિયા ભર્યા હતા અને ત્રણેયે ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો
થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિણીતાને બચાવી હતી. આ બનાવમાં પતિ, સાસુ, સસરા
અને નણંદ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.