ચાર
મહિના પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવક પર સસરા સહિતના શખસોએ લોખંડના પાઇપથી કર્યો હતો
હુમલો; જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
ભાણવડ,
તા.24: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પ્રેમલગ્નના મનદુ:ખમાં યુવાન પર થયેલો હુમલાનો
બનાવ હત્યામાં પરિણમ્યો છે. ચાર મહિના પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવાન પર તેના સસરા સહિતના
શખસોએ લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પ્રથમ ભાણવડ અને
ત્યારબાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગઈકાલે
સાંજે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતાં અગાઉ નોંધાયેલો હત્યાના પ્રયાસનો ગુનો હત્યામાં
પલટાયો હતો. ભાણવડ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં
રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા સમીરભાઈ ઉર્ફે બાડો દિલાવરભાઈ સમાં (ઉં.વ.24)નું મૃત્યુ
થયું છે. ગત તા. 11 નવેમ્બરે સમીર તેના કાકા સાથે મોબાઈલ લેવા ગયો હતો ત્યારે તેના
સસરા જુમા કાસમ હિંગોરા તથા કાસમ ઇબ્રાહિમ હિંગોરાએ પ્રેમલગ્નનું મનદુ:ખ રાખી હુમલો
કર્યો હતો. આ હુમલામાં વચ્ચે પડેલા ફિરોઝભાઈને પણ ઇજાઓ થઈ હતી. બનાવમાં આદમ ઉર્ફે અદુડિયો,
ઇબ્રાહિમ હિંગોરા, જુમા કાસમ હિંગોરા અને કાસમ ઇબ્રાહિમ હિંગોરાનાં નામ સામે આવ્યાં
હતાં. જોકે, પોલીસની વિગતો મુજબ આદમ ઇબ્રાહિમ હિંગોરા, જુમા કાસમ હિંગોરા અને કાસમ
ઇબ્રાહિમ હિંગોરા હત્યાના પ્રયાસના ગુનામાં જામનગર જેલમાં હતા. યુવાનના મોત બાદ ભાણવડ
પી.આઈ. વી.કે. કોઠિયાએ જેલમાંથી આરોપીઓનો કબજો મેળવી હત્યાના ગુનામાં આગળની તપાસ હાથ
ધરી છે. જિલ્લા પોલીસ વડા જયરાજાસિંહ વાળા અને એ.એસ.પી. પ્રખરકુમારના માર્ગદર્શન હેઠળ
કાર્યવાહી હાથ ધરાઈ છે.