• મંગળવાર, 24 નવેમ્બર, 2026

કાળીધાર પાટિયા પાસે અકસ્માતમાં બે યુવક ઈજાગ્રસ્ત

તાલાલા, તા.23ઃ તાલાલા તાલુકાના ગુંદરણ ગિર અને માધુપુર ગિર ગામ વચ્ચે આવેલા કાળીધાર પાટિયા પાસે ગત રાત્રે ફોરવ્હીલ કાર અને મોટરસાઇકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. અકસ્માતના પગલે માર્ગ પર વાહનોની અવરજવર ખોરવાઈ જતાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. અકસમાતમાં નિસાર શબ્બીરભાઈ (ઉં.વ.19, રહે. વેરાવળ) અને નિયાવુદીન હારૂનભાઈ બેલીમ (ઉં.વ.16, રહે. ચિત્રાવડ ગિર)ને ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તાલાલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં મેડિકલ ઓફિસરે બંનેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વેરાવળ રિફર કર્યા હતા. આ બનાવ અંગે તાલાલા પોલીસે અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક