• શનિવાર, 28 નવેમ્બર, 2026

વડોદરા પાસેથી એકે-47 અને 23 જીવતા કારતૂસ સાથે આતંકવાદી પકડાયો

   જરોદ પાસે હાઇવેની હોટલ પાસે મોડી રાત્રે એટીએસનું ગુપ્ત ઓપરેશન : જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો શહરૂલ ઈસ્લામ નામના આતંકીને ઝડપી અજ્ઞાત સ્થળે લઈ જઈ પૂછપરછનો ધમધમાટ

 વડોદરા, તા. 27: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાંથી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે આતંકી સંગંઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શહરૂલ ઈસ્લામ નામના એક આતંકીને ઝડપી પાડ્યો છે. આતંકીના કબજામાંથી એક એકે-47 અને 23 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. ઝડપાયેલો આતંકી આસામનો વતની હોવાનું જાણવા મળ્યું છે.  આતંકીના ઉદ્દેશ્ય અને અન્ય બાબતો જાણવા માટે હાલ એટીએસની ટીમ તેની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ પછી તેને કોર્ટમાં

રજૂ કરવામાં આવતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર જાહેર સ્થળ પર આતંક ફેલાવવા હેતુથી આસામથી બસ અને ટ્રેન મારફતે આતંકી આવ્યો હતો. જે વડોદરામાં રેલવે સ્ટેશન નજીક રોકાયો હતો. છેલ્લા 6 મહિના કરતા વધુ સમયથી એટીએસની ટીમ આતંકીની શોધમાં હતી. ત્યારે આજે જરોદમાં રેડ કરીને એકે 47 રાઈફલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. 

જૈશ-એ-મોહમ્મદનું સાહિત્ય મળી આવ્યું

આતંકીના મોબાઈલની પ્રાથમિક તપાસમાં જૈશ-એ-મોહમ્મદનું સાહિત્ય મળી આવ્યું છે. ગઈકાલે મોડી રાત્રે બસમાંથી કારતૂસ અને રાઇફલ સાથે એક બિન-ગુજરાતી શખસ ઝડપાયાની ઘટના અંગે જરોદ સરપંચના પતિ રૂપેશ કાંતિભાઈ સોલંકીએ પ્રતિક્રિયા આપી છે. તેમના જણાવ્યા મુજબ, આ શખસ મોટી દહેશત ફેલાવવાના આશયથી આવ્યો હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ એટીઅસ અને પોલીસની કામગીરીને કારણે મોટું સંકટ ટળી ગયું છે. અગાઉ ક્યારેય આવી ઘટના ન બની હોવાથી અચાનક બનેલી આ ઘટના અંગે ગામમાં ચર્ચા ચાલી રહી છે અને આરોપીની ઓળખ કરીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માગ ઉઠી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક