નવી દિલ્હી, તા. 27 : દિલ્હી
સરકારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી આવાસને મીડિયા માટે ખુલ્લું મુક્યું
છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ આ આવાસને શીશ મહેલ નામ આપ્યું છે. સરકારની યોજના
આગામી દિવસોમાં એક ટિકિટિંગ સિસ્ટમના મારફતે બંગલાને સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવાની
છે.
મીડિયા પ્રવાસ દરમિયાન અધિકારીઓઁ
આવાસમાં રહેલું મોંઘું ફર્નિચર બતાવ્યું હતું. જેમાં 11.56 લાખ રૂપિયાના ઝૂમર, 5.47
લાખ રૂપિયાના સોફા,5.58 લાખની ખુરશીઓ, 6.79 લાખ રૂપિયાનું સેન્ટ્રલ ટેબલ અને 5.69 લાખ
રૂપિયાના પડદા સામેલ છે. આ બંગલાના રિનોવેશન અને ફર્નિચર ઉપર કુલ 58.83 કરોડ રૂપિયાના
ખર્ચનું અનુમાન છે. દિલ્હીના પીડબલ્યુડી મંત્રી પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, જનતાના
રૂપિયા હોવાથી તેનો હિસાબ આપવાનો એકમાત્ર હેતુ છે. ટૂંક સમયમાં દિલ્હીની જનતા માટે
આ આવાસને ખુલ્લું મુકવામાં આવશે. આ પરિયોજના માટે ખરીદવામાં આવેલી વસ્તુઓનું વિવરણ
પણ સાર્વજનિક કરવામાં આવ્યું છે. પ્રવેશ વર્માએ કહ્યું હતું કે, કોરોના કાળમાં અરવિંદ
કેજરીવાલે આવાસનું નિર્માણ કરાવ્યું હતું, જેઓ એક સમયે કહેતા હતા કે પોતે એક રૂમના
મકાનમાં રહેશે.