• શનિવાર, 28 નવેમ્બર, 2026

સત્ર પહેલાં સરકારની સોગઠી; સીમાંકન ખરડાને મંજૂરી

પીએમ મોદીનાં અધ્યસ્થાને કેબિનેટ બેઠકમાં તમામ રાજ્યોમાં લોકસભા બેઠકો 50 ટકા વધારવાના પ્રસ્તાવને બહાલી : 25 વર્ષ સંખ્યા નહીં બદલે

નવી દિલ્હી, તા. 27 : દેશની સંસદીય રાજનીતિ અને ચૂંટણી વ્યવસ્થાનો ચહેરો બદલવા જઇ રહ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે સીમાંકન અને મહિલા અનામત સાથે જોડાયેલા સુધારાના પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી હતી. મતલબ એ થયો કે, પ્રસ્તાવ મુજબ દેશના તમામ રાજ્યોની લોકસભા બેઠકોની સંખ્યામાં 50 ટકા વધારો કરવાની કવાયતને કેન્દ્રીય મંત્રીમંડળ (કેબિનેટ)ની મંજૂરી મળી ગઇ છે.

કેન્દ્ર સરકારે 30 નવેમ્બરથી શરૂ થઇ રહેલા સંસદના વિશેષ સત્રથી પહેલાં સંસદીય માળખાંમાં ઐતિહાસિક બદલાવને બહાલી આપી દીધી છે.

આ નિર્ણય બાદ આવનારાં 25 વર્ષ સુધી બેઠકોની સંખ્યામાં કોઇ બદલાવ કરાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને સેવાતીર્થમાં લગભગ એક કલાક ચાલેલી બેઠકના અંતે સંવિધાન સુધારા વિધેયકને મંજૂરી આપી દેવાઇ હતી.

લોકસભામાં અત્યારે 543 બેઠક છે. 50 ટકા વધારો કરાયા બાદ આ સભ્ય સંખ્યા વધીને 815 થઇ જશે. મતલબ એ થયો કે, 272 બેઠકનો વધારો થશે.

વધેલી તમામ બેઠકો મહિલાઓ માટે અનામત રાખી દેવાય તેવી શક્યતા  પ્રબળ હોવાનું જાણવા મળે છે.

સરકાર 30 નવેમ્બરથી શરૂ થતાં સંસદના વિશેષ સત્રમાં આ મહત્ત્વાકાંક્ષી પ્રસ્તાવ પસાર કરવા માગે છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ વિપક્ષોને આ વિધેયક પર ચર્ચામાં ભાગ લેવા અપીલ કેબિનેટ બેઠક પહેલાં કરી હતી.

બીજીતરફ કોંગ્રેસનો આરોપ છે કે, કેન્દ્ર સરકાર સીમાંકન અને મહિલા અનામત સુધારા વિધેયક પસાર કરાવવા માટે છેતરપિંડી કરીને બહુમતી મેળવી રહી છે.

અગાઉ 16 એપ્રિલના સંસદમાં જે વિધેયક પસાર થઇ શક્યો નહોતો, તેમાં વસતી આધારિત સીમાંકન મારફતે બેઠકોની સંખ્યા વધારવાની યોજના હતી, જેના કારણે રાજ્યો વચ્ચે પ્રતિનિધિત્વનો અનુપાત બદલવાની આશંકા હતી.

હવે આજે મંજૂર કરાયો તે નવા વિધેયકમાં તમામ રાજ્યોની વર્તમાન બેઠકોમાં 50 ટકાના વધારા સાથે 2025 સુધી રાજ્યો વચ્ચે વર્તમાન બેઠક અનુપાત જાળવી રાખવાની યોજના છે.

મતલબ કે નવા પ્રસ્તાવનો મુખ્ય બદલાવ એ છે કે, લોકસભામાં બેઠકો તો વધશે જ, પરંતુ કોઇ રાજ્યની બીજી રાજ્યની તુલનાએ વર્તમાન હિસ્સેદારી ઘટશે નહીં.

સીમાંકન પ્રક્રિયાની સીધી અસર ચૂંટણીની રાજનીતિ પર પડશે. કારણ કે, તેનાથી મતવિસ્તારોની સીમાઓ, બેઠકોની સંખ્યા અને સંસદમાં રાજ્યોના પ્રતિનિધિત્વ પર પણ અસર પડી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક