• મંગળવાર, 25 જૂન, 2024

રાજકોટમાં પુત્રે હથોડીના ઘા મારીને પિતાની હત્યા કરી

માતા સાથે રોજબરોજ પિતા માથાકૂટ કરતા હોઈ કંટાળેલા પુત્રે પતાવી દીધા

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ, તા. 25: રાજકોટ શહેરમાં હત્યાનો બનાવ બન્યો હતો. કાલાવડ રોડ પરના મોટામવા સ્મશાન પાસેના વણકરવાસમાં પુત્રધર્મેશે હથોડીના ઘા મારીને પિતા નાથાભાઇ ડાહ્યાભાઇ પરમારની હત્યા કરી હતી.

મોટામવાના વણકરવાસમાં રહેતા 55 વર્ષના મણીબહેન પરમાર બપોરે તાલુકા પોલીસ મથક પહોંચ્યા હતાં અને પતિ નાથાભાઇ ડાહ્યાભાઇ પરમાર સાથે માથાકૂટ થયાની વાત કરી હતી. આ વાત સાંભળીને પોલીસ તેના મકાન પર પહોંચી હતી. ત્યાં રૂમમાં તેના પતિ નાથાભાઇ પરમાર લોહીથી ખરડાયેલી હાલતમાં પડયા હતાં. તેમના માથા અને કપાળના ભાગે ઇજાના નિશાન હતા. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ. વી.આર. પટેલ અને તેમના મદદનીશ કુલદીપસિંહ વગેરેની પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે, મૃતક નાથાભાઇ પરમાર કોઇ કામ ધંધો કરતો ન હતો. ઘરકામ કરતી પત્ની મણીબહેન સાથે રોજબરોજ માથાકૂટ અને મારકૂટ કરતો હતો. આજે સવારે પણ મૃતકે પત્ની મણીબહેન સાથે માથાકૂટ કરી હતી. આ ઝઘડા બાદ પત્ની ઘેરથી કામે જતી રહી હતી. બપોરે ઘેર પિતા નાથાભાઇ અને એકનો એક પુત્ર ધર્મેશ હતો ત્યારે પિતા-પુત્ર વચ્ચે વારંવાર ઘરમાં ઝઘડો કરવા અને માતા મણીબહેન સાથે કલેશ કરવા અંગે બોલાચાલી થઇ હતી. આ તકરારમાં ઉશ્કેરાયેલા પુત્ર ધર્મેશે ઘરમાં પડેલી હથોડી ઉપાડીને તેના પિતાના માથા અને કપાળમાં ભાગે મારી દીધી હતી. તેના કારણે પિતા નાથાભાઇ ઢળી પડયા હતાં અને તેમનું મૃત્યુ નિપજતા બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. આ ઘટના અંગે પોલીસે મૃતકના પુત્ર ધર્મેશ પરમારની ધરપકડ કરી હતી અને ખૂનના બનાવમાં વપરાયેલી હથોડી કબજે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક