પોલીસે કારને રોકતા પ્લાસ્ટિક બેગમાં રૂ. 1000 અને રૂ. 500ની રદ થયેલી નોટોનો જથ્થો મળ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 3: અમદાવાદની નરોડા
પોલીસને જૂની રદ થયેલી નોટોનો મોટો જથ્થો પકડવામાં સફળતા મળી છે. એક ગુપ્ત ઓપરેશનમાં
89 લાખની જૂની ચલણી નોટો મળતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. નરોડા પોલીસને ચોક્કસ
અને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક શંકાસ્પદ કારમાં પ્રતિબંધિત રૂ.500 તથા રૂ.
1000ની નોટોની હેરાફેરી થઈ રહી છે.
ચોક્કસ બાતમી મુજબની કાર ગેલેક્સી
ચાર રસ્તા પરથી પસાર થઈ ત્યારે પોલીસે તાત્કાલિક જ તેને આંતરી લીધી હતી. પોલીસની પ્રાથમિક
તપાસમાં જ કારની અંદરથી પ્લાસ્ટિકની બેગમાં ભરેલી જૂની નોટોના બંડલો મળ્યા હતા. ગણતરી
કરતા જાણવા મળ્યું હતું કે, રૂ. 1000ના દરની કુલ 4350 નોટો મળી આવી હતી. જેની કિંમત
43 લાખ 50 હજાર રૂપિયા થાય છે. આ ઉપરાંત રૂ. 500ના દરની કુલ 9100 નોટો મળી આવી હતી.
જેની કિંમત 45 લાખ 50 હજાર થાય છે. આ પ્રકારે કુલ 13,450 રદ થયેલી નોટોની કુલ કિંમત
89 લાખ થાય છે. જૂની નોટોનો આટલો જથ્થો ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે.
હાલમાં પોલીસએ દિશામાં ઊંડાણપૂર્વક
તપાસ કરી રહી છે કે આ નોટો અસલી છે કે નકલી. જો આ નોટો અસલી હોય તો આટલા વર્ષો સુધી
આ નાણાં કોણે અને કયા હેતુથી સાચવી રાખ્યા હતા તે એક રહસ્ય છે. પોલીસને શંકા છે કે
આટલી મોટી રકમ પાછળ કોઈ મોટું નેટવર્ક અથવા એક્સચેન્જ રેકેટ કામ કરી રહ્યું હોઈ શકે
છે. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા શખસો પાસેથી સંતોષકારક જવાબ ન મળતા હવે પોલીસ ટેકનિકલ
સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહી છે.