• શનિવાર, 27 જુલાઈ, 2024

જસદણમાં દૂધના ધંધાર્થીને હનીટ્રેપમાં ફસાવી પોલીસ ફરિયાદની ધમકી આપી 4 લાખ માગ્યા

પોલીસે દંપતીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જસદણ, તા. 27: જસદણમાં દુધના ધંધાર્થીને હનીટ્રેપમાં ફસાવીને પોલીસ ફરિયાદની ધમકી આપી રૂપિયા 20 હજાર પડાવી લઈને વધુ રૂ. 4 લાખ માગ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે દંપતીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે, જસદણના બજરંગનગરના તલાવડી વિસ્તારમાં રહેતા અને દૂધ વેચવાનો વ્યવસાય કરતા પ્રૌઢ વશરામભાઈ રવજીભાઈ છાયાણી(ઉં.52)ને દુધના હિસાબના રૂપિયા આપવા માટે ગત તા. 1-11-2023વા રોજ ભાવનાબેન વલ્લભભાઈ જશાણીએ ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. પ્રૌઢ દૂધના હિસાબના રૂપિયા લેવા માટે ઘરે ગયા ત્યારે ભાવનાબેને તેને શેટી ઉપર બેસાડીને તેણીએ પોતાનાં કપડાં ઉતારવા લાગી હતી. બાદમાં કઢંગી હાલતમાં મહિલાએ તેના પતિ વલ્લભ પ્રેમજી જશાણીને બોલાવીને રાડારાડી કરવા લાગ્યાં હતાં. જે બાદ દૂધના ધંધાર્થી ત્યાંથી ચાલ્યા ગયા હતાં.

બાદમાં તા. 3-11-2023ના રોજ આરોપીએ ફેન કરીને પોલીસ કેસ કરી દેવાની ધમકી આપીને રૂપિયા 30 હજારની માગણી કરી હતી. જે પેટે વશરામભાઈએ જયદીપ ચોકમાં આરોપીઓને રૂપિયા 20 હજાર આપ્યા હતા. બાદમાં બન્ને આરોપીએ ફોન કરીને દુષ્કર્મના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપીને રૂપિયા 4 લાખ માગ્યા હતા.

આરોપીની ધમકી બાદ પીડિત વશરામભાઈએ ફોન રેકોર્ડિંગ સાથે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક