• શનિવાર, 27 જુલાઈ, 2024

જેતપુરના વૃદ્ધાને મકાન વેચી વ્યાજના નાણા ચૂકવવા ધમકી : દંપતી સામે ફરિયાદ  સાત વર્ષથી 10 ટકા વ્યાજ ચૂકવતા હતા, પાંચ માસથી ન ભરી શકતા આપી ધમકી

જેતપુર, તા.22: જેતપુરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતી એક વિધવા વૃદ્ધાએ તેના પાડોશમાં રહેતા દંપતી પાસેથી સાતેક વર્ષ પૂર્વે પચાસ હજાર રૂપિયા દસ ટકા વ્યાજે લીધેલ હતા. જે નાણાંનું વ્યાજ છેલ્લા પાંચેક મહિનાથી ચૂકવી ન શકતા દંપતીએ તું મકાન વેચીને પણ અમારા પૈસા ચૂકવી આપ નહીંતર તને જાનથી મારી નાખશું તેવી ધમકી આપ્યાની સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

શહેરના ગોંડલ દરવાજા વિસ્તારમાં રહેતા દેવુબેન તેજાભાઈ દેગડાએ તેમના પડોશમાં જ રહેતા મોહનભાઈ કંટારીયા અને તેમના પત્ની સુનીતાબેન પાસેથી જરૂરિયાત મુજબ વ્યાજે પૈસા લેતા હતા અને પરત આપી દેતા હતા. તેમાં સાતેક વર્ષ પૂર્વ દસ ટકા વ્યાજથી પચાસ હજાર રૂપિયા વ્યાજે લીધેલ હતા. જેનું વ્યાજ નિયમિત ચૂકવેલ પરંતુ થોડા સમયથી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી પાંચેક મહિનાથી વ્યાજ ચૂકવી શકેલ નહીં. પોતે વિધવા હોય કમાવનાર હોય નહીં અને બીમાર હોવાથી થોડા સમય બાદ વ્યાજ સહિત મુળ રકમ ચૂકવી આપીશ તેવું જણાવેલ. વ્યાજના રૂપિયા આપવા પડશે નહીંતર તને જીવતી નહીં છોડીશ તેમ કહી ગાળો આપીને જતા રહ્યા હતા. જે અંગે દંપતી સામે ગુજરાત નાણા ધીરધારની અધિનિયમની કલમ 40 અને 42 તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની 504, 506(2) મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક