• શનિવાર, 27 એપ્રિલ, 2024

જામનગરના ત્રણ બત્તી વિસ્તારમાં એક સાથે ચાર દુકાનમાં તસ્કરોના પરોણા

દુકાનોમાં પાકી છત ન હોવાનાં કારણે વારંવાર હાથફેરો એક શખસ સીસીટીવી કેમેરામાં કેદ

જામનગર, તા.27: જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાં ડીએસપી બંગલાના પાછળના ભાગના વિસ્તારમાં ગત મોડી રાત્રે એકી સાથે ચાર દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા પોલીસ તંત્રની કવાયત વધી ગઈ છે.

જામનગરમાં ત્રણબત્તી વિસ્તારમાં આવેલી એક અનાજ કરિયાણાની દુકાન તેમાં તેની બાજુમાં જ આવેલ મિઠાઇ-ફરસાણની દુકાન સહિત એકી સાથે ચાર દુકાને તસ્કરોએ નિશાન બનાવી લીધી હતી. દુકાનની પાકી છત ન હોવાથી પતરા હોવાનાં કારણે દુકાનનાં પતરા તોડી અંદર પ્રવેશ મેળવી લીધો હતો અને દુકાનમાં રહેલો અનાજ કરિયાણા, મિઠાઈ, ફરસાણ સહિતનો માલ સામાન રફેદફે કર્યો હતો પરંતુ વેપારી દ્વારા કોઈ રોકડ રકમ રાખવામાં આવી ન  હોવાથી તસ્કરો કોઈ મોટી રકમ લઈ જવામાં સફળ થયા ન હતા.

આજે સવારે દુકાન ખોલતી વખતે વેપારીઓને ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી પોલીસને જાણ કરાતા સિટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી કેમેરા વગેરેની મદદથી તસ્કરોને શોધવા માટેની કવાયત શરૂ કરી છે. ત્રણ બત્તી વિસ્તારમાં આવેલ આ ચારેય દુકાન કે જેને આજથી એક વર્ષ પહેલાં નિશાન બનાવાઈ હતી. ત્યાર બાદ આજથી ચાર માસ પહેલા પણ આ દુકાનોમાં ચોરી થઈ હતી અને સતત ત્રીજીવાર દુકાનને નિશાન બનાવી છે. રેલવે તંત્ર પાસે આ ચારેય દુકાન ભાડા પટ્ટામાં હોવાથી પાકી છત ન હોવાનાં કારણે સતત ટાર્ગેટ કરી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક