• સોમવાર, 06 મે, 2024

વેરાવળ સિવિલ હોસ્પિટલના તબીબ નશો કરેલી હાલતમાં ઝડપાયા સિવિલના તબીબ સામે પોલીસમાં ગુનો નોંધી કાર્યવાહી

વેરાવળ, તા.25 (ફૂલછાબ ન્યૂઝ): આજરોજ વિશ્વ મેલેરિયા દિવસના અવસરે યોજાયેલ સાઇકલ રેલીમાં જોડાયા બાદ જિલ્લા કલેક્ટર દિગ્વિજયાસિંહ જાડેજા અચાનક વેરાવળમાં કાર્યરત જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધેલ ત્યારે એક તબીબ નશો કરેલી હાલતમાં મળી આવતા તેની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજે સવારે કલેક્ટરે સિવિલ હોસ્પિટલે પહોંચી દરેક વિભાગો અને વોર્ડની મુલાકાત લેતા અમુક અસુવિધાઓ જાણવા મળી હતી. જે અંગે સિવિલના અધિકારી વર્ગને જરૂરી સૂચનાઓ આપતા કહેલ કે, હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક સિક્યુરિટી રાખવા, હોસ્પિટલમાં અનધિકૃત લોકો ન આવે અને બહારનાં વાહનો પાર્ક ન થાય, કંપાઉન્ડની બહારના ભાગે થયેલ દબાણ દૂર કરવા, કેમ્પસમાં સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તે માટે કોઈપણ પાન-માવા અને બીડીનો ઉપયોગ કરે તો તેની પાસેથી દંડ વસૂલવા જેવી સૂચનાઓ આપી દર્દીઓને કોઈ અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું.

કલેક્ટર અંતમાં જ્યારે સિવિલના સ્ટાફનો પરિચય લઈ તેઓની કામગીરીની જાણકારી મેળવી રહ્યા હતા ત્યારે સિવિલના ગાયનેકોલોજિસ્ટ તબીબ ડો. એ. બી. સોંદરવા બરાબર જવાબ આપી શક્યા ન હતા જેથી તેઓએ કેફી પીણું પીધું હોય તેવી શંકા જણાઈ હોવાથી તુરંત પોલીસને બોલાવી તેમનો બ્લડ ટેસ્ટ લેવાની સૂચના આપી હતી. જેના પ્રાથમિક રિપોર્ટમાં તબીબે નશો કરેલ હોવાનું જણાતા કલેક્ટર સૂચનાથી આર.એમ.ઓ. પી. બી. નારિયાએ વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ડો.એ.બી. સોંદરવાને હિરાસતમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.      

ઇ-પેપરના નવા શુલ્ક