વિપક્ષમાં ઘણા સક્ષમ નેતા જે
નેતા પ્રતિપક્ષની ભૂમિકા ભજવી શકે છે : બાંસુરી સ્વરાજ
નવી દિલ્હી, તા. 11 : ભાજપે દાવો
કર્યો છે કે ઈન્ડિ ગઠબંધન વિપક્ષના નેતા પદ ઉપર રાહુલ ગાંધીની જગ્યાએ બીજા નેતાને બેસાડવાનું
મંથન કરી રહ્યું છે. ભાજપે કહ્યું છે કે જો ગઠબંધનને લાગથી રહ્યું છે કે રાહુલ ગાંધી
સારું પ્રદર્શન નથી કરી રહ્યા તો આ બદલાવ કરવો જરૂરી છે. શુક્રવારે નવી દિલ્હી લોકસભા
સીટ ઉપરથી ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું હતું કે, વિપક્ષી દળોમાં ઘણા સક્ષમ નેતા
છે જે વિપક્ષના નેતાની ભૂમિકા ભજવી શકે છે. જો કે સ્વરાજે સ્પષ્ટ કર્યું હતું કે આ
નિર્ણય ઈન્ડિ ગઠબંધને જ લેવાનો છે કારણ કે તેનો આંતરિક મુદ્દો છે.
ભાજપના દાવા અંગે ઈન્ડિ ગઠબંધન
દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ઓછામાં ઓછી 10
ટકા સીટ સાથે સૌથી મોટા વિપક્ષી દળના સાંસદને જ નેતા પ્રતિપક્ષ નિયુક્ત કરી શકાય છે.
સદનમાં કોંગ્રેસ સૌથી મોટી વિપક્ષી પાર્ટી હોવાના કારણે રાહુલ ગાંધીને વિપક્ષના નેતા
નિયુક્ત કરવામાં આવ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતાના પદને રોટેશનલ બદલવાની સંભાવના
અંગે વિપક્ષી દળો વચ્ચે ચર્ચા અંગે પુછવામાં આવતા બાંસુરી સ્વરાજે કહ્યું હતું કે આ
ઈન્ડિ ગઠબંધનનો આંતરિક મામલો છે. જો વિપક્ષી ગઠબંધનને લાગે કે રાહુલ ગાંધી પુરા કર્તવ્ય
અને નિષ્ઠાથી પદ સંભાળી શકતા નથી તો નિર્ણય લેવો જોઈએ.