સીજેઆઈ ચંદ્રચુડના મતે જનતાના
વિશ્વાસથી જ અદાલતોને નૈતિક અધિકાર પ્રાપ્ત થાય છે
નવી દિલ્હી, તા. 11 : ભારતના
મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચુડે કહ્યું છે કે, અદાલતો માટે જનતાનો વિશ્વાસ મહત્તવપૂર્ણ
છે. આ દરમિયાન સીજેઆઈએ કહ્યું હતું કે જજ જનતા દ્વારા ચૂંટવામાં આવતા ન હોવાથી તેમની
વિશ્વસનિયતા અને વૈધતા માટે જનતાનો વિશ્વાસ જરૂરી છે. જનતાના વિશ્વાસથી જ અદાલતોને
પોતાનો નૈતિક અધિકાર પ્રાપ્ત થાય છે. ભુતાનના જેએસડબલ્યુ સ્કૂલ ઓફ લોમાં એક કાર્યક્રમને
સંબોધિત કરતા સીજેઆઈએ આ વાત કરી હતી.
સીજેઆઈ ચંદ્રચુડે પોતાના સંબોધનમાં
કહ્યું હતું કે લોકતાંત્રિક સિદ્ધાંતમાં જવાબદારી સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓથી
સંબંધિત હોય છે.આવા પ્રતિનિધિ સીધા પોતાના મતદારો અને વિધાયી સંસ્થાઓને જવાબદાર હોય
છે. કુલ મળીનેતેઓ લોકપ્રિય જનાદેશ દ્વારા ચૂંટવામાં આવે છે. બીજી તરફ ન્યાયાલય અને
ન્યાયાધીશ સંવિધાન અથવા વૈધાનિક કાયદાના જનાદેશથી પોતાની શક્તિ પ્રાપ્ત કરે છે.
જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું
કે માત્ર સંવૈધાનિક પરિણામ નહીં પણ સંવૈધાનિક યાત્રા પણ જરૂરી છે. ઓપન કોર્ટ સુલભ અદાલત
મિશનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. ટેકનોલોજી અને સરળ પ્રક્રિયા આ યાત્રા માટે ચાવીરૂપ
છે.