રાજસ્થાન હાઈકોર્ટનો આદેશ : પાસપોર્ટ
ઓથોરિટી પોલીસના રિપોર્ટથી બંધાયેલી નથી
નવી દિલ્હી, તા. 28 : પાસપોર્ટ
બનાવવા કે તેને રિન્યૂ કરાવવાની કતારમાં લાગેલા લોકો માટે રાહતના અહેવાલ સામે આવ્યા
છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે જો પોલીસ તપાસનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ પાસપોર્ટ
બનતા રોકી શકાય નહી. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે પોલીસનો રિપોર્ટ નેગેટિવ હોવો તે
કોઈપણ નાગરિકને પાસપોર્ટ મેળવવાના કાનૂની અધિકારથી વંચિત નથી કરતો. જસ્ટિસ અનૂપ કુમાર
ઢાંડની પીઠે ભાર મુકીને કહ્યું હતું કે પાસપોર્ટ ઓથોરિટી પોલીસના રિપોર્ટથી બંધાયેલી
નથી.
જો કે અદાલતે પાસપોર્ટ વિભાગને
છૂટ આપી છે કે જો પોલીસની ખરાઈમાં કંઈ ગડબડ મળે તો તે કાયદા અનુસાર કાર્યવાહી માટે
સ્વતંત્ર છે. આ સાથે જ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને પાસપોર્ટ અધિકારીને નિર્દેશ આપ્યો
હતો કે તે અરજકર્તાના પાસપોર્ટને રિન્યૂ કરવાની અરજી ઉપર 8 અઠવાડીયામાં નિર્ણય કરે.
હાઈકોર્ટે કહ્યું હતું કે કોઈપણ ભારતીય નાગરિકને પાસપોર્ટ પ્રાપ્ત કરવા કે રિન્યૂ કરવાના
કાનુની અધિકારથી વંચિત કરી શકાય નહી.