નવી દિલ્હી, તા. 8 : પહેલા હરિયાણામાં
કૉંગ્રેસ અને હવે મહારાષ્ટ્રમાં આઘાડીની કારમી હાર બાદ કૉંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિ
ગઠબંધનની પાર્ટીઓમાં કૉંગ્રેસ અને ખાસ તો રાહુલ ગાંધીની આગેવાનીનો વિરોધ વધતો જાય છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસના અધ્યક્ષા મમતા બેનરજીએ ઇન્ડિ ગઠબંધનની
આગેવાની લેવા તૈયાર હોવાનું જાહેર નિવેદન આપ્યા બાદ અન્ય સાથીદાર પાર્ટીઓ પણ દીદીનાં
નિવેદનનું સ્વાગત કરી રહ્યા છે અને એમની સાથે જોડાવા તૈયાર હોવાનો સંકેત આપી રહ્યા
છે. શરૂઆત સમાજવાદી પાર્ટીએ કરી અને હવે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવારે પણ દીદીનાં
ટેકામાં નિવેદન આપ્યું છે. ઇન્ડિ ગઠબંધનમાં ચાલી રહેલી નિવેદનબાજીથી ભાજપને પણ કૉંગ્રેસની
ટીકા કરવાનું બહાનું મળી ગયું છે. સંસદના અધિવેશનમાં પણ દરેક મુદ્દે કૉંગ્રેસની સાથે
સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કૉંગ્રેસ સાથે નથી જણાઇ રહી. વિપક્ષના નેતા રાહુલ ગાંધી
પર ભાજપ દ્વારા આકરા પ્રહારો થઇ રહ્યાં છે એના વિરોધમાં પણ કૉંગ્રેસ સિવાયના કોઇ પક્ષોના
નેતાઓ સ્પષ્ટપણે વિરોધ નથી કરી રહ્યા. દીદીએ કહ્યું હતું કે તક મળશે તો હું બંગાળમાં
બેસીને પણ ઇન્ડિ ગઠબંધનનું નેતૃત્વ કરવા તૈયાર છું. લોકસભાની ચૂંટણી ભાજપની આગેવાની
હેઠળના એનડીએ સામે લડનારા ઇન્ડિ ગઠબંધનમાં મતભેદો હરિયાણા વિધાનસભાની ચૂંટણી વખતે જ
સામે આવ્યા હતા, કેમ કે હરિયાણામાં કૉંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડી હતી. ત્યાં ભાજપ
સામે કારમી હાર બાદ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીના નામે કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી (શરદ
પવાર જૂથ) અને શિવસેના (ઉદ્ધવ જૂથ)એ વિધાનસભાની ચૂંટણી લડી, પરંતુ મહારાષ્ટ્રમાં પણ
ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સામે ભૂંડો પરાજય થયો.