રાજ્ય સરકાર પાસે આગજની અને અતિક્રમણ
થયેલી સંપત્તિની માહિતી માગી
નવી દિલ્હી, તા. 9 : સુપ્રીમ
કોર્ટે મણિપુર સરકાર પાસેથી જાતીય હિંસા દરમિયાન આગજનીનાં કારણે ક્ષતિગ્રસ્ત થયેલી
સંપત્તિઓ અને કબજો કરવામાં આવેલી સંપત્તિઓની માહિતી માગી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું
હતું કે, કોર્ટને એવી તમામ સંપત્તિઓની જાણકારી આપવામાં આવે જે પૂરી રીતે અથવા તો આંશિક
રીતે સળગી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે,
રાજ્ય સરકારે આ ઘટનાઓમાં દોષિત અને કબજો કરનારા સામે થયેલી કાર્યવાહીની જાણકારી એક
સીલબંધ કવરમાં આપવી પડશે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેંચે આ
અરજી ઉપર 20 જાન્યુઆરીના શરૂ થનારા અઠવાડિયામાં વધુ સુનાવણી નક્કી કરે છે. ગયાં વર્ષે
ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે હાઇ કોર્ટના ત્રણ પૂર્વ મહિલા જજની એક સમિતિનાં ગઠનનો
આદેશ આપ્યો હતો તેમજ મણિપુરમાં અપરાધિક મામલાની તપાસ માટે મહારાષ્ટ્ર પોલીસ પ્રમુખ
દત્તાત્રેય પડસગિકરને જવાબદારી મળી હતી.