બીજિંગ, તા. 9 : કોવિડ જેવા એચએમપીવી
વાયરસથી મચેલી અફરાતફરી વચ્ચે હવે મંકીપોક્સ નામે નવો વાયરસ સામે આવતાં ચીન ચિંતામાં
મુકાઈ ગયું છે.
ચીનના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું
હતું કે, નવો એમપોક્સ સ્ટ્રેન કલેડ આઈબી પકડાયો છે. મંકીપોક્સનો કલેબ 1બી કાંગો સહિત
કેટલાક આફ્રિકી દેશોમાં પહેલાંથી સક્રિય છે.
વીતેલાં વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ) દ્વારા વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી
જાહેર કરાયા બાદ આ વાયરલ સંક્રમણ અનેક દેશોમાં ફેલાયું છે.
વિદેશી નાગરિકના સંપર્કમાં આવ્યા
બાદ ચીનમાં મંકીપોક્સનાં સંક્રમણના મામલા સામે આવવા માંડયા છે. રાષ્ટ્રીય આરોગ્ય પંચે
કહ્યું હતું કે, મંકીપોક્સ સંક્રમણને નાથવા માટે બી કેટેગરીના રોગ તરીકે પગલાં લેવાશે.
અધિકારીઓ ભીડ રોકવી, જરૂર પડયે શાળાઓ બંધ કરવી, સંક્રમણ વધુ ફેલાતું હોય તેવા વિસ્તારો
સીલ કરવા સહિતના પગલાંઓ ભરી શકશે.
---------
યુપીમાં એચએમપીવીનો વધુ એક કેસ
નોંધાયો
નવી દિલ્હી, તા. 9 : કોરોના વાયરસ
જેવા જ એચએમપીવી વાયરસનો વધુ એક કેસ ગુરુવારે ઉત્તરપ્રદેશમાં નોંધાયો હતો. આ સાથે જ
દેશમાં આ ચેપી વાયરસ સંલગ્ન કુલ 11 કેસ થયા છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક,
તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. એક મીડિયા હેવાલ મુજબ, બલરામપુર
હોસ્પિટલના નિર્દેશક ડો. સુશીલ ચૌધરીએ લખનૌમાં એક 60 વર્ષીય મહિલા એચએમપીવી પોઝિટિવ
થઈ હોવાની પુષ્ટિ કરી હતી. આ વાયરસના કેસો સામે આવતાં રાજ્યોમાં સતર્કતા વધારી દેવાઈ
છે.