નવી
દિલ્હી, તા. 22 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ફેબ્રુઆરીના મહા કુંભ મેળાની મુલાકાતે
જશે, એમ સૂત્રોએ કહ્યું હતું. યોગાનુયોગ એ દિવસે જ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું મતદાન
છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોદી પાંચમી ફેબ્રુઆરીના પ્રયાગરાજમાં મહા કુંભના ત્રિવેણી
સંગમમાં પવિત્ર સ્નાન કરશે. ત્યાં અક્ષયવટ, સરસ્વતિ કૂપ અને બડે હનુમાન મંદિરે દર્શન
પણ કરશે. પ્રયાગરાજમાં વડા પ્રધાન કુંભ મેળાનું સફળ આયોજન કરનારા સરકારી અધિકારીઓ તેમ
જ કામદારોનું સન્માન પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી
મુર્મૂ દસમી ફેબ્રુઆરીના સંગમ જવાના છે. આ રીતે જ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ
27 ફેબ્રુઆરીના તેમ જ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પહેલી ફેબ્રુઆરીના કુંભ મેળાની મુલાકાતે
જવાના છે. ધનખડ અને શાહ ત્રિવેણીમાં આસ્થાની
ડૂબકી લગાવશે તો રાષ્ટ્રપતિ મુર્મૂ પણ સ્નાન ઉપરાંત મેળામાં આયોજિત કેટલાક કાર્યક્રમોમાં
અધ્યક્ષ પદ શોભાવશે. ટેશના સર્વોચ્ચ નેતાઓ પ્રયાગરાજ મહા કુંભમાં જવાના છે એના પગલે
પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા પણ વધુ કડક કરવાની શરૂઆત કરી દીધી છે. મહા કુંભ 13 જાન્યુઆરીના
શરૂ થયો હતો અને એ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે, આ દિવસો દરમિયાન રોજે રોજ શ્રદ્ધાળુઓની
સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.