• શનિવાર, 26 એપ્રિલ, 2025

15-20 વર્ષ કોઈનો વારો આવવાનો નથી : શાહ

-ડિઝાસ્ટર મેનેજમેન્ટ(સુધારા) વિધેયકની ચર્ચાનો જવાબ આપતાં ગૃહમંત્રી

નવી દિલ્હી, તા.2પ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડિઝાસ્ટર મેનેજમેન્ટ(સુધારા) વિધેયક-2024 મુદ્દે રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, આપણે સ્વીકારવું પડશે કે છેલ્લા 10 વર્ષમાં આપદા પ્રબંધન ક્ષેત્રમાં જે બદલાવ થયા છે તેનાથી આપણે ક્ષેત્રીય અને વૈશ્વિક શક્તિ તરીકે ઉભર્યા છીએ. આ સરકાર નહીં બલ્કે દેશની સફળતાની વાત છે. તેમણે વિપક્ષ ઉપર તીખો વ્યંગ કરતાં કહ્યું હતું કે, આગામી 15-20 વર્ષ સુધી કોઈનો વારો આવવાનો નથી. આગળ ઉપર પણ જે કંઈ કરવાનું છે તે અમારે જ કરવાનું છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કેટલાક સભ્યોએ પ્રશ્ન ઉઠાવ્યો કે સુધારાની શું જરૂર છે. હું તેમને કહેવા માગુ છું કે જો કોઈ ઈમારતનું સમયસર સમારકામ ન કરવામાં આવે તો તે તૂટી પડે છે. તેઓ વિચારે છે કે કદાચ તેઓ આવીને તેને બદલી નાખશે પણ આગામી 15-20 વર્ષ સુધી કોઈનો વારો નહીં આવે. જે કંઈ કરવાનું છે, તે આપણે કરવું જ પડશે. આપત્તિ વ્યવસ્થાપન કાયદો સૌપ્રથમ 2005માં લાગુ કરવામાં આવ્યો હતો. આ હેઠળ, એનડીએમએ, એસડીએમએ અને ડીડીએમએની રચના કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, હવે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સત્તાનું કેન્દ્રીકરણ થશે. જો તમે આખું બિલ ધ્યાનથી વાંચશો તો તમને ખ્યાલ આવશે કે અમલીકરણની સૌથી મોટી જવાબદારી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની છે, જે રાજ્ય સરકાર હેઠળ આવે છે. તેથી, સંઘીય માળખાને ક્યાંય પણ કોઈ નુકસાન થવાની શક્યતા નથી. આપત્તિ વ્યવસ્થાપન એ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેનો વિષય છે. હું આખા દેશને કહેવા માગુ છું કે આપણે ફક્ત રાજ્યોને જ નહીં, પરંતુ દરેકને જોડવા માગીએ છીએ. આ બિલ કેન્દ્રીકરણ નથી.

ઇ-પેપરના નવા શુલ્ક