રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને ફરિયાદોના
ઉકેલ માટે તંત્ર તૈયાર કરવા અને તેનો નિયમિત પ્રચાર કરવા નિર્દેશ
નવી
દિલ્હી, તા. 26 : ભ્રામક વિજ્ઞાપનો મુદ્દે સુપ્રીમ કોર્ટે સખત નિર્દેશ જારી કર્યા છે.
શીર્ષ અદાલતે રાજ્યોને વાંધાજનક વિજ્ઞાપનો સામે કાર્યવાહી કરવા માટે બે મહિનાની અંદર
એક તંત્ર સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્ર શાસિત
પ્રદેશોને ભ્રામક વિજ્ઞાપન સામેની ફરીયાદોનો ઉકેલ લાવવાનું તંત્ર વિકસિત કરવાનો નિર્દેશ
આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ભ્રામક જાહેરાતો સમાજને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે
અને તેના ઉપર દેખરેખ જરૂરી છે.
સરકરને
તંત્ર સ્થાપિત કરવા માટે બે મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ અભય એસ ઓકા
અને ઉજ્જવલ ભુઈયાની પીઠે રાજ્યોને નિર્દેશ આપ્યો હતો કે,તે 1954ના ડ્રગ્સ એન્ડ મેઝિક
રેમેડીઝ એક્ટ હેઠળ વાંધાજનક વિજ્ઞાપનો સામે સામાન્ય લોકોની ફરીયાદો માટે યોગ્ય તંત્ર
તૈયાર કરે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદાથી ભ્રામક વિજ્ઞાપનો ઉપર નિયંત્રણ
લાવવાનો રસ્તો સાફ થયો છે.
પીઠે
આદેશમાં કહ્યું છે કે કોર્ટ તરફથી રાજ્યોને નિર્દેશ આપવામાં આવે છે કે બે મહિનાની અંદર
એક યોગ્ય તંત્ર સ્થાપિત કરવામાં આવે અને તેની ઉપલબ્ધતા અંગે નિયમિત રીતે પ્રચાર કરવામાં
આવે. આ પહેલા શીર્ષ અદાલતે 7 મે 2024ના રોજ આદેશ આપ્યો હતો કે કોઈપણ વિજ્ઞાપન જારી
કરતા પહેલા કેબલ ટેલિવિઝન નેટવર્ક અધિનિયમ, 1994ની જેમ વિજ્ઞાપનદાતાઓ પાસેથી સ્વ ઘોષણા
પ્રાપ્ત કરવામાં આવે.