• ગુરુવાર, 10 જુલાઈ, 2025

કાશ્મીરમાં હુમલા અંગે ગુપ્તચર સંસ્થા દ્વારા અગાઉથી જ એલર્ટ અપાયું હતું

પાકિસ્તાનમાં યોજના ઘડાઈ રહી હોવાના સંકેત આપ્યા’તા

નવી દિલ્હી, તા. 23 : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ કરેલા હુમલામાં 28 જણનાં મોત થયા હતા. તે વચ્ચે બુધવારે હુમલા અંગે ગુપ્તચર એજન્સીઓએ અગાઉથી જ એલર્ટ આપ્યું હોવાનો ખુલાસો થયો હતો, જેમાં ત્રાસવાદીઓએ પહેલગામ જેવા પર્યટન સ્થળે રેકી કરી હોવાની વાત પણ બહાર આવી હતી, તો આ હુમલામાં આતંકીઓને સ્થાનિકોએ પણ મદદ કરી હોવાનો ખુલાસો થયો હતો.

એક મીડિયા હેવાલ મુજબ, ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનાની શરૂઆતે જ માહિતી મળી હતી કે, આતંકીઓ પહેલગામ જેવા પર્યટન સ્થળે મોટા હુમલાની તૈયારીમાં છે, જેના માટે યોજના બનાવવા સાથે સ્થળની રેકી પણ કરાઈ હતી. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં આઈએસઆઈના માર્ગદર્શન હેઠળ આતંકવાદીઓને તૈયાર કરાઈ રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને ગત 10 માર્ચે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં સુરક્ષા અંગે સમીક્ષા કરાઈ હતી, જેના એક માસના સમયગાળામાં 6 એપ્રિલે ગૃહમંત્રી અમિત શાહે પણ ઈન્ટિગ્રેટ કમાન સાથે બેઠક યોજી હતી. તે વચ્ચે સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં હુમલાની તૈયારી કરી રહ્યું હોવાની જાણકારી આપી હતી.

આઈબી અધિકારીઓનો ટ્રાવેલ પ્લાન લીક થયાની અફવાઆઈબી

પૂર્વ સૈન્ય અધિકારીની શંકા બાદ સરકારી સુત્રોએ કહ્યું, આવી અફવા આતંકીઓને મદદરૂપ બનશે

નવી દિલ્હી, તા. 23 : પહલગામમાં પર્યટકો ઉપર જે રીતે આતંકવાદી હુમલો થયો છે તેનાથી પૂરો દેશ હચમચી ગયો છે. પહેલી વખત કાશ્મીરમાં આટલી સંખ્યામાં પર્યટકોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનાએ તમામ હદો પાર કરી દીધી છે. દેશભરમાં ગુસ્સાનો માહોલ છે અને ભારત સરકાર પાસે બદલાની માગણી થઈ રહી છે. આ દરમિયાન પૂર્વ સૈન્ય અધિકારી કર્નલ હની બખ્શીએ શંકા વ્યક્ત કરી છે કે પહલગામમાં આઈબીના અમુક અધિકારી પરિવાર સાથે રજા વિતાવવા ગયા હતા અને તેમનો ટ્રાવેલ પ્લાન લીક થયો છે. તેમને ટાર્ગેટ કરતા જ આતંકી હુમલો થયો છે.

પુર્વ સૈન્ય અધિકારીએ એક્સ ઉપર પોસ્ટ મારફતે શંકા વ્યક્ત કરી હતી. જો કે આ થિયરી ઉપર સરકારી સુત્રોએ સવાલ ઉઠાવ્યા છે અને આ મુદ્દે વધુ ચર્ચા ન કરવા કહેવામાં આવ્યું છે. કર્નલ હની બખ્શીએ લખ્યું હતું કે એવા ઘણા આઈબી અધિકારી હતા જે પરિવાર સાથે લીવ ઉપર હતા. જાણકારી અનુસાર એકનું મૃત્યુ થયું છે અને આઠને ઈજા થઈ છે. એવું લાગી રહ્યું છે કે આઈબી અધિકારીઓનો ટ્રાવેલ પ્લાન લીક થયો છે. જો કે આ શંકાને અન્ય લોકોને નિરાધાર ગણાવી છે. વર્તમાન સમયે આઈબી અધિકારીઓ ટાર્ગેટ થયા છે તેવા અહેવાલો આતંકીઓને મદદ કરી શકે તેમ પણ કહેવામાં આવ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક